VIDEO: અમદાવાદ-બહુચરાજી બ્રોડગેજ લાઈન પર 120 કિમીની ઝડપે સફળ સ્પીડ ટ્રાયલ પૂર્ણ
અમદાવાદથી બહુચરાજી માતાજીના લાખો ભક્તો માટે એક મોટા અને આનંદના સમાચાર સામે આવ્યા છે. કટોસણ રોડ–બહુચરાજી–રણુજ બ્રોડગેજ રેલખંડ પર પ્રથમ વખત 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડાવીને સફળ સ્પીડ ટ્રાયલ પૂર્ણ કરવામાં આવી છે. પશ્ચિમ રેલવેના જણાવ્યા અનુસાર, રેલવે સંરક્ષા આયુક્તે 9થી 11 જુલાઈ દરમિયાન ત્રણ દિવસીય વિગતવાર સંરક્ષા નિરીક્ષણ કર્યું હતું, જેમાં ટ્રેક, સિગ્નલિંગ, ઓવરહેડ ઇલેક્ટ્રિફિકેશન અને પુલો સહિતના તમામ સુરક્ષા માપદંડોની ઝીણવટભરી ચકાસણી કરાઈ હતી. હવે અંતિમ સંરક્ષા મંજૂરી મળ્યા બાદ, અંદાજે એક હજાર કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા આ 63 કિલોમીટર લાંબા રેલખંડ પર ટૂંક સમયમાં જ મુસાફર ટ્રેન સેવા શરૂ કરી દેવાશે. આ પરિયોજનાથી બહુચરાજી અને ચાણસ્મા સહિતના આસપાસના વિસ્તારોને આધુનિક રેલ કનેક્ટિવિટી મળશે, જેનાથી શ્રદ્ધાળુઓની યાત્રા સુગમ બનશે તથા સ્થાનિક વેપાર, પર્યટન અને રોજગારને મોટો વેગ મળશે.

