VIDEO: કાલીપુરા ગામે ગરનાળું બેસી જતાં ૨૦ એકર જમીનમાં મગફળીનો પાક જળમગ્ન: ખેડૂતોમાં રોષ
સોર્સ : gstv
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના કાલીપુરા ગામે માર્ગ અને મકાન વિભાગની ઘોર બેદરકારીના કારણે ખેડૂતોનો મોંઘામૂલો પાક નિષ્ફળ જવાની અણી પર આવી ગયો છે. વરસાદી પાણીના નિકાલ માટે બનાવેલું ગરનાળું નબળી કામગીરીને કારણે બેસી જતાં ખેતરોમાંથી પાણી બહાર નીકળી શક્યું નથી, પરિણામે ૨૦ એકરથી વધુ જમીનમાં વાવેલો મગફળીનો પાક પાણીમાં ગરકાવ થઈ ગયો છે. મોંઘા ભાવના બિયારણ અને ખાતરનો ખર્ચ કરી તૈયાર કરેલો પાક નષ્ટ થવા છતાં વહીવટી તંત્ર અને કલેક્ટર સમક્ષ કરેલી રજૂઆતોનું કોઈ પરિણામ આવ્યું નથી. પોતાની મહેનત આંખો સામે હોમાઈ જતાં સ્થાનિક ખેડૂતોમાં ભારે રોષ અને ઘેરો શોક વ્યાપી ગયો છે, ત્યારે તંત્ર દ્વારા વહેલી તકે સર્વે કરી યોગ્ય વળતર આપવામાં આવે તેવી માંગ ઉઠી છે.

