Sabarkantha: MLA Ramanlal Vora સામે ગણોત ધારા હેઠળ કાર્યવાહીની માંગ, ફરિયાદીની આત્મવિલોપનની ચીમકી

સાબરકાંઠાના ઈડરના ધારાસભ્ય રમણલાલ વોરા સામે ગણોત ધારા હેઠળ કાર્યવાહી કરવાની માંગનો મામલો સામે આવ્યો છે. ધારાસભ્ય બોગસ ખેડૂત ખાતેદાર મામલે વિવાદમાં ફસાયા છે. ફરિયાદીએ આરોપ લગાવ્યા છે કે રમણલાલ વોરા બિનખેડૂત હોવા છતાં તેમણે અને તેમના પરિવારે દાવડ સહિતની જગ્યાએ ખોટા દસ્તાવેજો દ્વારા ખેતીની જમીનો ખરીદી છે.
ખોટા દસ્તાવેજો દ્વારા ખેતીની જમીનો ખરીદીનો આરોપ
મળતી વિગતો અનુસાર વડાલી તાલુકાના જેતપુર ગામના રાજેન્દ્રકુમાર બાદરભાઈ પટેલે આરોપ લગાવ્યો છે કે, રમણલાલ વોરા બિનખેડૂત હોવા છતાં તેમણે અને તેમના પરિવારે દાવડ સહિતની જગ્યાએ ખોટા દસ્તાવેજો દ્વારા ખેતીની જમીનો ખરીદી છે. આ મામલે ગણોત ધારા હેઠળ કાર્યવાહીની માંગ સાથે અરજદારે ઈડર મામલતદાર અને નાયબ કલેક્ટરને રજૂઆત કરી હતી, પરંતુ કોઈ પગલાં ન લેવાતાં તેમણે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી છે.
અરજદારની ફરિયાદ બાદ સાબરકાંઠા અધિક કલેક્ટરે ઈડરના નાયબ કલેક્ટરને પત્ર લખી, નિયમોનુસાર તપાસ અને કાર્યવાહી કરવા સૂચના આપી છે. આરોપ છે કે, રમણલાલ વોરાએ દાવડ ગામમાં આશરે 8 હેક્ટર જમીન ખોટી રીતે ખેડૂત તરીકે ખરીદી છે.

શું છે સમગ્ર મામલો?
ખેડૂત તરીકેના લાભ મેળવવા ખોટા દસ્તાવેજ આધારે ખેડૂત બનવા મામલે ઇડરના ધારાસભ્ય રમણલાલ વોરાના એક બાદ એક કરતૂત સામે આવી રહ્યા છે. ગાંધીનગરના પાલેજની જમીનમાં ખોટી રીતે નામ દાખલ કરવાનો વિવાદ તો હજુ શમ્યો નથી. ત્યાં જ ઇડરના દાવડની સીમની જમીન બાબતે પણ આક્ષેપો થતાં કલેક્ટર તંત્રએ કાર્યવાહી માટે તજવીજ હાથ ધરી છે.
આક્ષેપ છે કે, ઈડર તાલુકાના દાવડ ગામની સીમના સર્વે નં. 584, 549, 551 અને 581ની જમીનોમાં ધારાસભ્ય રમણ વોરાનું નામ બિનખેડૂત હોવા છતાં ખોટી રીતે ખેડૂત તરીકે દાખલ થયેલ છે.

