Sabarkantha news: ડુપ્લિકેટ દૂધ બાદ હવે નકલી ઘી! રાયગઢમાં નકલી ઘીનું કારખાનું ઝડપાયું, 200 કિલો જથ્થો સીઝ

Sabarkantha news: સાબરકાંઠા જિલ્લામાં આરોગ્ય સાથે ચેડાં કરતા તત્વો હવે સક્રિય બન્યા છે. હિંમતનગર તાલુકાના રાયગઢ ગામે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે બાતમીના આધારે દરોડા પાડીને નકલી ઘી બનાવવાનું કારખાનું ઝડપી પાડ્યું છે. નકલી દૂધની ઘટનાઓ બાદ હવે ડુપ્લિકેટ ઘી પકડાતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.
ગ્રામ્ય વિસ્તારમાં ધમધમતું હતું નકલી ઘીનું નેટવર્ક
મળતી માહિતી મુજબ, રાયગઢના ગ્રામ્ય વિસ્તારમાં ખુબીરામ શિવચરણલાલ શર્મા નામનો વ્યક્તિ છેલ્લા કેટલાક સમયથી નકલી ઘી બનાવવાનું કૌભાંડ ચલાવી રહ્યો હતો. ફૂડ વિભાગને આ અંગે ચોક્કસ બાતમી મળતા અધિકારીઓએ ઓચિંતી તપાસ હાથ ધરી હતી. રેડ દરમિયાન સ્થળ પરથી 200 કિલો કરતાં વધુ ડુપ્લિકેટ ઘીનો જથ્થો મળી આવ્યો હતો, જેની બજાર કિંમત અંદાજે 50 હજાર રૂપિયાથી વધુ આંકવામાં આવી રહી છે.
ફૂડ વિભાગે રેડ દરમિયાન મળી આવેલા શંકાસ્પદ ઘીના નમૂના લઈ લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલી આપ્યા છે. આરોગ્ય માટે અત્યંત જોખમી ગણાતા આ નકલી ઘીના કારખાનાના સંચાલક ખુબીરામ શર્મા સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ દરોડાને પગલે ભેળસેળિયા તત્વોમાં ફાળ પડી ગઈ છે. તંત્ર દ્વારા આગામી દિવસોમાં અન્ય શંકાસ્પદ સ્થળોએ પણ તપાસ તેજ કરવામાં આવશે તેવી શક્યતા છે.

