VIDEO: ઉપલેટામાં મોજ નદી પરનો વર્ષો જૂનો બ્રિજ જર્જરિત, વાહનચાલકો પરેશાન
રાજકોટ જિલ્લાના ઉપલેટામાં મોજ નદી પર રાજાશાહીના સમયગાળામાં બનાવવામાં આવેલો વર્ષો જૂનો બ્રિજ હાલ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યો છે. બ્રિજની સાઇડમાં ઝાડી-ઝાંખરા ઊગી નીકળ્યા છે અને અનેક જગ્યાએ બ્રિજની હાલત બિસ્માર બની છે. સલામતીના કારણોસર છેલ્લા પાંચ વર્ષથી બ્રિજ પરથી ભારે વાહનોની અવરજવર બંધ કરી દેવામાં આવી છે. જેના કારણે ઉપલેટાથી રાજકોટ અને અમદાવાદ તરફ જતા ટ્રક, એસટી બસ અને ટ્રાવેલ્સ સહિતના વાહનોને આશરે 10 કિલોમીટરનો વધારાનો ફેરો ફરવો પડે છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે સમારકામને લઈને તંત્રની ઢીલી નીતિના કારણે વર્ષોથી સમસ્યા યથાવત છે. વેપારીઓ અને મુસાફરો પણ વર્ષોથી આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે અને કાયમી ઉકેલની માંગ કરી રહ્યા છે. જોકે, નગરપાલિકા તંત્રના જણાવ્યા મુજબ માર્ગ અને મકાન વિભાગના એન્જિનિયરની સૂચનાથી સલામતી માટે બ્રિજ બંધ કરાયો છે અને તેનું રિપેરિંગ શક્ય ન હોવાથી નવો બ્રિજ બનાવવા સરકારમાં દરખાસ્ત મોકલાઈ છે.

