VIDEO: રાજકોટમાં હાઈકોર્ટ બેંચની માંગ સાથે ઉપલેટાના વકીલો કોર્ટ કાર્યવાહીથી અળગા રહી કલેકટરને પાઠવ્યું આવેદનપત્ર
સૌરાષ્ટ્ર-કચ્છના નાગરિકોને સસ્તો અને ઝડપી ન્યાય મળી રહે તે માટે રાજકોટમાં ગુજરાત હાઈકોર્ટની બેંચ સ્થાપવાની પ્રબળ માંગ સાથે ઉપલેટા બાર એસોસિએશન દ્વારા પ્રતીક હડતાળ પાડવામાં આવી હતી. સૌરાષ્ટ્ર-કચ્છના તમામ બાર એસોસિએશનના એલાનને પગલે ઉપલેટાના વકીલો ન્યાયિક કાર્યવાહીથી સંપૂર્ણપણે અળગા રહ્યા હતા અને મામલતદાર મારફતે જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર હાઈકોર્ટના કુલ કેસોમાંથી ૪૦ ટકા કેસો માત્ર સૌરાષ્ટ્ર-કચ્છના હોય છે, જેથી રાજકોટમાં બેંચ સ્થપાવાથી પક્ષકારોનો સમય અને નાણાં બચશે તેમજ અમદાવાદ સુધી લાંબી મુસાફરીમાંથી મુક્તિ મળશે. ભૂતકાળમાં સૌરાષ્ટ્ર બેંચ કાર્યરત હોવાથી અને રાજકોટમાં પૂરતી ભૌતિક સુવિધાઓ ઉપલબ્ધ હોવાથી આ માંગ વ્યાજબી હોવાનું જણાવી ઇન્ચાર્જ પ્રમુખ વિરલ એસ. કાલાવડીયા અને સેક્રેટરી કે. એમ. બારૈયાએ સરકાર સમક્ષ આ માગણી સત્વરે સ્વીકારવા અપીલ કરી છે.

