VIDEO: ઉપલેટાના મોટી પાનેલીમાં ગેસ એજન્સીની લાલિયાવાડી સામે ગ્રામજનોએ નોંધાવ્યો વિરોધ, બાટલા બારોબાર વેચી દેવાતા હોવાનો આક્ષેપ
સોર્સ : GSTV
રાજકોટના ઉપલેટા તાલુકાના મોટી પાનેલી ગામમાં ગેસ એજન્સીની લાલિયાવાડી સામે ગ્રામજનોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. છેલ્લા એક મહિનાથી રાંધણ ગેસના બાટલા માટે હેરાન થતા સ્થાનિકોએ ગંભીર આક્ષેપ કર્યો છે કે એજન્સી દ્વારા જરૂરિયાતમંદ ગ્રામજનોને બાટલા આપવાને બદલે બારોબાર પેટ્રોલ પંપ પર વેચી દેવામાં આવે છે.
મજૂરી અને ઘરકામ છોડીને કલાકો સુધી કાળઝાળ તડકામાં ઊભા રહેવા છતાં લોકોને ખાલી હાથે પરત ફરવું પડે છે, એટલું જ નહીં, પરીક્ષાના સમયે વિદ્યાર્થીઓએ અભ્યાસ છોડીને લાઈનમાં ઊભા રહેવાની ફરજ પડી છે. એજન્સીએ પોતાના બોર્ડ હટાવી લેતા લોકોનો રોષ બેવડાયો છે. ગ્રામજનોએ આ મુશ્કેલીનું વહેલી તકે નિરાકરણ લાવવા અને બેજવાબદાર એજન્સી સામે કડક કાયદાકીય પગલાં લેવાની માંગ કરી છે.

