Video: રાજકોટમાં ક્ષત્રાણીઓ બોલાવશે તલવાર રાસની રમઝટ
નવરાત્રિના પવિત્ર પર્વ દરમિયાન રાજકોટ શહેર ફરી એકવાર ક્ષત્રાણીઓના શૌર્ય અને પરંપરાના અનોખા સંગમનું સાક્ષી બનશે. ભગિની સેવા ફાઉન્ડેશન દ્વારા છેલ્લા 18 વર્ષથી આયોજિત તલવાર રાસનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે 19મું વર્ષ છે. રાજકોટના રાજવી પરિવારના રણજીત વિલાસ પેલેસ ખાતે નવરાત્રિના બીજા, ત્રીજા અને ચોથા નોરતે (આશરે 4-6 ઓક્ટોબર, 2025) જાહેર જનતા માટે ભવ્ય કાર્યક્રમ યોજાશે. આ આયોજનમાં ક્ષત્રિય સમાજની 15થી 40 વર્ષની 150થી વધુ બહેનો ભાગ લેશે, જે તલવાર, ઢાલ, દિવડા, થાળી અને ટિપ્પણી રાસ રમીને ભારતના ખમીરવંતા ઇતિહાસને જીવંત કરશે.
આ પરંપરા નારીશક્તિ અને ક્ષત્રિય સંસ્કૃતિનું પ્રતીક છે. ભગિની ફાઉન્ડેશન દ્વારા દોઢ મહિના પહેલાંથી યુવતીઓને તાલીમ આપવામાં આવે છે, જેથી તેઓ ખુલ્લી તલવાર સાથે સુરક્ષિત રીતે રાસ રમી શકે. આ કાર્યક્રમ માતાજીની આરાધના સાથે જોડાયેલો છે, જેમાં શૌર્ય અને આત્મવિશ્વાસનું અનોખું પ્રદર્શન જોવા મળે છે.

