Rajkot News: 'ફરજિયાત હેલ્મેટની અમલવારી હાલ નહીં', રાજકોટના ધારાસભ્યો ગૃહમંત્રીને મળ્યા

રાજકોટ શહેરમાં ગૃહવિભાગના નિર્દેશથી 8 સપ્ટેમ્બરના રોજ ફરજિયાત હેલ્મેટની ડ્રાઈવ દ્વારા પોલીસે કડક અમલવારી શરુ કરાવી હતી. જેમાં પોલીસ અને વાહન ચાલકો વચ્ચે માથાકૂટ અને ઘર્ષણ જોવા મળ્યું હતું. જેને પગલે સ્થાનિક ધારાસભ્યોએ ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીને મળીને રજૂઆત કરી હતી. ઉદય કાનગડ, રમેશ ટીલાળા તથા ડો દર્શીતા શાહે રજૂઆત કરી હતી. તેમણે કહ્યું કે, હેલ્મેટ જરૂરી છે પણ કડકાઈથી અમલવારી યોગ્ય નથી.
ગૃહમંત્રીએ અમને ખાતરી આપી છે કે લોકો હેલ્મેટ પહેરે તે માટે દંડ દ્વારા અમલવારી નથી કરવી. જે બાદ આજ રોજ સવારથી જ રાજકોટમાં જે લોકોએ હેલ્મેટ નથી પહેર્યું તેમને ફૂલ આપીને સમજાવી રહ્યા છે. રાજકોટના ધારાસભ્ય ઉદય કાનગડે કહ્યું કે, લોકોમાં જાગૃતિ દ્વારા હેલ્મેટની અમલવારી કરવામાં આવશે.
રાજકોટના ધારાસભ્યોની રજૂઆત જેના અનુસંધાને વાહન ચાલકોને રાહત આપતો નિર્ણય લેવામાં આવ્યો હતો. પોલીસ દંડ કે કોઈ કાર્યવાહી નહી કરે પણ હેલ્મેટના ફાયદા અંગે લોકજાગૃતિ ફેલાવશે. ફરજિયાત હેલ્મેટ પહેરાવવાના આકરા પોલીસ પગલા અને દંડ ઝીંકવા માટે સેંકડો પોલીસના ધાડા ઉતારી દેવાતા રાજકોટ પ્રજામાં જોરદાર આક્રોશ હતો.
રાજકોટના ધારાસભ્ય દર્શિતા શાહે કહ્યું કે, લોકોની સુરક્ષા અને જીવ બચાવવા, લોકો સુરક્ષિત રહે તે માટે હેલ્મેટનો કાયદો લાગુ કરવામાં આવ્યો છે. રાજકોટના લોકો હેલ્મેટ પહેરતા પણ થયા છે. તેમ છતાં ફરજિયાત હેલ્મેટ અંગે દંડ થતાં લોકો પરેશાન થયા હતા. જેને પગલે લોકોની રજૂઆત લઈને ગૃહમંત્રી હર્ષ સંઘવીને રજૂઆત કરવામાં આવી હતી. લોકો વધુ સુરક્ષિત રહે, લોકોને તકલીફ ના પડે તે રીતે અમલવારીની કામગીરી કરવામાં આવશે. હજુ 2 મહિના સુધી આ કામગીરી ચાલુ રહેશે. લોકો જાગૃત થાય અને અકસ્માતથી બચે તે માટે રજૂઆત કરી યોગ્ય સમાધાન કરવામાં આવ્યું છે.

