VIDEO: રિબડામાં અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં ક્ષત્રિય સમાજનું સંમેલન, પુત્ર સત્યજીતસિંહએ જાણો શું કહ્યું?
રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના રીબડા ગામમાં આજે ક્ષત્રિય સમાજનું મહાસંમેલન યોજાયું, જેમાં રાજ્યભરના ક્ષત્રિય સમાજના લોકો એકત્રિત થયા. આ સંમેલનનો મુખ્ય હેતુ અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફીની માંગને લઈને સરકાર સમક્ષ રજૂઆત કરવાનો હતો. નોંધનીય છે કે, હાઈકોર્ટે અનિરુદ્ધસિંહની સજા માફી માટેનો હુકમ રદ કર્યો હતો, પરંતુ સુપ્રીમ કોર્ટે આ હુકમને યથાવત રાખ્યો છે. આજના સંમેલનમાં ક્ષત્રિય સમાજે આ મુદ્દે એકજૂટતા દર્શાવી અને સજા માફીની માંગને વેગ આપ્યો.
સંમેલન શરૂ થયું તે પહેલાં અનિરુદ્ધસિંહના પુત્ર સત્યજીતસિંહ જાડેજાએ એક વીડિયો વાયરલ કરીને સમાજને એકત્ર થવા અને કાયદો-વ્યવસ્થા જાળવવા અપીલ કરી હતી. ક્ષત્રિય સમાજની સંકલન સમિતિ અનિરુદ્ધસિંહના સમર્થનમાં ઉભી રહી છે. આગેવાનો પી.ટી. જાડેજા અને કરણસિંહ ચાવડા પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.
સત્યજીતસિંહે વીડિયોમાં જણાવ્યું, “આપ તમામ સમાજના લોકો આજે રીબડામાં લાગણી દર્શાવવા આવ્યા છો. અમારો પરિવાર કોર્ટના નિર્ણયને શિરોમાન્ય ગણે છે અને તંત્રને કાયદાકીય સહકાર આપવા માગે છે. આપણે સૌએ મળીને કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી નિભાવવી જોઈએ.” તેમણે એમ પણ ઉમેર્યું કે, અનિરુદ્ધસિંહ અને તેમના ભાઈ રાજદીપસિંહની ગેરહાજરીમાં સમાજે તકેદારી રાખવાની જવાબદારી આપણા સૌની છે

