Rajkot News: રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાએ પાસપોર્ટ જમા કરાવ્યો, પિતાપુત્ર ભૂગર્ભમાં છુપાયા!

રાજકોટના બહુ ચર્ચિત પોપટ સોરઠીયા હત્યા કેસ મામલે અનિરુદ્ધસિંહ જાડેજાનો પાસપોર્ટ સરેન્ડર થયો. અનિરુદ્ધસિંહ જાડેજાએ વકીલ મારફત તેમનો પાસપોર્ટ પોલીસ સમક્ષ જમા કરાવ્યો છે. જણાવી દીએ કે, ગુજરાત હાઇકોર્ટ દ્વારા સજા માફી રદ્દ કરી ચાર સપ્તાહમાં અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર કરવા આદેશ કરાયો છે. પરંતુ અનિરુદ્ધસિંહ સરેન્ડર કરશે કે કેમ તે અંગે અનેક સવાલ ઊભા થયા છે! અમિત ખૂંટ આપઘાત કેસ મામલે અનિરુદ્ધસિંહ અને તેના પુત્ર બંને હાલ ભૂગર્ભમાં છે.
રાજકોટના રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને તત્કાલીન ધારાસભ્ય પોપટ સોરઠિયા હત્યાકેસમાં ચાર અઠવાડિયામાં હાજર થવા હાઈકોર્ટે હુકમ કર્યો છે. પોપટ સોરઠિયા હત્યાકેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાને આજીવન કેદમાંથી મુક્તિ આપવાના જેલ અધીક્ષક ટી.એસ. બિસ્તના હુકમને ફગાવી દેવામાં આવ્યો છે અને અનિરુદ્ધસિંહને સરેન્ડર કરવા આદેશ કરાયો છે. આ ઉપરાંત દરરોજ હાજરી પુરાવવાનો અને પાસપોર્ટ જમા કરાવવાનો પણ આદેશ કરાયો છે. અનિરુદ્ધસિંહ જાડેજા અને તેના પુત્ર રાજદીપસિંહ જાડેજાને હાલ પોલીસ અમિત ખૂંટ આત્મહત્યાકેસમાં પણ શોધી રહી છે.
અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં પણ ગોંડલ કોર્ટે અનિરુદ્ધસિંહ જાડેજાની 19 ઓગસ્ટે આગોતરા જામીન અરજી નામંજૂર કરી છે. આ પહેલાં કોર્ટે તેમના પુત્ર રાજદીપસિંહ જાડેજાની આગોતરા જામીન અરજી પણ ફગાવી હતી. ગોંડલ તાલુકા પોલીસે અનિરુદ્ધસિંહ વિરુદ્ધ અમિત ખૂંટને આપઘાત માટે દુષ્પ્રેરણા આપવાનો ગુનો નોંધ્યો છે. પોલીસની ચાર્જશીટમાં અનિરુદ્ધસિંહને ફરાર બતાવવામાં આવ્યા છે. આમ અનિરુદ્ધસિંહને બીજીવાર જેલમાં જવાની સ્થિતિ ઉભી થઈ છે.

