રાજકોટમાં હવે HSRP નંબર પ્લેટ વગરના વાહનોને પેટ્રોલ-ડીઝલ નહીં મળે, CPએ બહાર પાડ્યું જાહેરનામું

રાજકોટ શહેરમાં હવે HSRP નંબર પ્લેટ વગરના વાહનોને પેટ્રોલ-ડીઝલ નહીં મળે. શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા દ્વારા BNSSની કલમ 163(2) હેઠળ આ અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જાહેરનામા મુજબ વાહનની આગળ અને પાછળ બંને બાજુ HSRP નંબર પ્લેટ લગાવેલી હોવી ફરજિયાત રહેશે.
નવા નિયમ અનુસાર HSRP નંબર પ્લેટ વગરના વાહનોને શહેરના પેટ્રોલ પંપ પર પેટ્રોલ કે ડીઝલ આપવાની મનાઈ રહેશે. આ નિર્ણયનો હેતુ વાહનોની ઓળખ વધુ સરળ બનાવવાની સાથે નિયમોનું પાલન સુનિશ્ચિત કરવાનો હોવાનું માનવામાં આવે છે.
જાહેરનામાનો ભંગ કરનાર વાહનચાલક તેમજ નિયમ વિરુદ્ધ ઈંધણ આપનાર પેટ્રોલ પંપ સંચાલક સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જેથી વાહનચાલકોએ પોતાના વાહનમાં આગળ અને પાછળ બંને તરફ માન્ય HSRP નંબર પ્લેટ લગાવેલી છે કે નહીં તેની ખાતરી કરવી પડશે.
આ ઉપરાંત જો HSRP નંબર પ્લેટના મુદ્દે કોઈ વાહનચાલક સાથે પેટ્રોલ પંપ સંચાલક કે કર્મચારીને ઘર્ષણ અથવા વિવાદ થાય તો તેમણે જાતે કોઈ કાર્યવાહી ન કરવા સૂચના આપવામાં આવી છે. આવા સંજોગોમાં તાત્કાલિક પોલીસને જાણ કરવાની રહેશે. શહેરમાં જાહેરનામાના અમલથી HSRP નંબર પ્લેટ વગર ફરતા વાહનચાલકો માટે મુશ્કેલી ઊભી થઈ શકે છે. પોલીસ દ્વારા નિયમના પાલન પર નજર રાખવામાં આવશે.

