VIDEO: Rajkot AIIMSમાં ઈન્ટર્ન તબીબનો આપઘાત: સુસાઈડ નોટમાં 'મારપીટ' અને 'VIDEO Recording'ના ચોંકાવનારા ખુલાસા, 5 તબીબોની ધરપકડ
VIDEO: સૌરાષ્ટ્રની પ્રીમિયર ગણાતી એઈમ્સ (AIIMS) હોસ્પિટલ શરૂ થાય તે પહેલા જ ગંભીર વિવાદમાં સપડાઈ છે. એઈમ્સમાં અભ્યાસ કરતા ઈન્ટર્ન તબીબ રતન મેઘવાલના આપઘાત કેસમાં પોલીસે પાંચ સાથી ઈન્ટર્ન તબીબોની ધરપકડ કરી છે. મૃતક તબીબની સુસાઈડ નોટમાં થયેલા ખુલાસાઓએ તબીબી આલમ અને એઈમ્સના વહીવટ પર અનેક સવાલો ઉભા કર્યા છે.
હોસ્ટેલના રૂમમાં મારપીટ અને વીડિયો રેકોર્ડિંગ
મૃતક રતન મેઘવાલે પોતાની સુસાઈડ નોટમાં અત્યંત ગંભીર આરોપો લગાવ્યા છે. ગત 27 જાન્યુઆરી, 2026 ના રોજ એઈમ્સની બોયઝ હોસ્ટેલના રૂમ નંબર 203માં પાંચ ઈન્ટર્ન તબીબોએ રતનને નિર્દયતાથી માર માર્યો હતો. માત્ર મારપીટ જ નહીં, આ તબીબોએ રતનનું અપમાન કરવા માટે તેનું વીડિયો રેકોર્ડિંગ પણ કર્યું હતું. આ માનસિક અને શારીરિક ત્રાસને કારણે રતને અંતિમ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવે છે. સુસાઈડ નોટમાં રતને સ્પષ્ટ કર્યું છે કે આમાં તેની કોઈ સ્ત્રી મિત્રનો વાંક નથી, પરંતુ આ પાંચ તબીબોએ જ તેને મરવા માટે મજબૂર કર્યો છે.
ધરપકડ અને પોલીસની કામગીરી પર શંકા
રાજકોટ પોલીસે આ મામલે ડૉ. પ્રણવ પાનીવાલ, અસ્મિત શર્મા, આયુષ યાદવ, નિર્વિદન યાદવ અને યુવરાજ ચૌધરીની ધરપકડ કરી છે. જોકે, પોલીસ જ્યારે આ આરોપીઓને લઈને આવી ત્યારે તેમના મોઢા છુપાવવામાં આવ્યા હતા. સામાન્ય ગુનેગારોને જાહેરમાં લાવતી પોલીસ આ કેસમાં આરોપીઓની ઓળખ શા માટે છુપાવી રહી છે, તેને લઈને અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે.
એઈમ્સ વહીવટદાર સામે સવાલો
હજુ તો એઈમ્સ હોસ્પિટલ સંપૂર્ણ રીતે કાર્યરત થઈ નથી, ત્યાં જ વિદ્યાર્થીઓ વચ્ચેના આ પ્રકારના હિંસક બનાવોએ સુરક્ષા અને શિસ્ત સામે મોટા પ્રશ્નો ખડા કર્યા છે. શું અન્ય વિદ્યાર્થીઓ સાથે પણ આવી રેગિંગ કે મારપીટની ઘટનાઓ બની રહી છે? રતને પોતાની ચિઠ્ઠીમાં અન્ય એક વિદ્યાર્થીને પણ આ પાંચેય જણાએ માર માર્યો હોવાનો ઉલ્લેખ કર્યો છે. હવે જોવાનું એ રહેશે કે શું પોલીસ આ પાંચેય આરોપીઓ સામે કડક કાર્યવાહી કરશે કે પછી મોટા ઘરના નબીરાઓને બચાવવા માટે ભીનું સંકેલાશે?

