Rajkot: 'તાલિબાની સજા'નો મામલો, ACPના આદેશ પર સગીરના જીવતા વાળ ખેંચી માર માર્યાની ફરિયાદ

રાજકોટ શહેરના પોલીસ બેડામાં સગીર આરોપીને 'તાલિબાની સજા' આપવાનો ગંભીર મામલો સામે આવ્યો હતો. સગીર આરોપીએ પોલીસ વિરુદ્ધ કરેલી ફરિયાદમાં ચોંકાવનારા ખુલાસા થતાં હડકંપ મચી ગયો છે. ACPના આદેશનો ઉલ્લેખ
સગીર આરોપીએ પોતાની ફરિયાદમાં આક્ષેપ કર્યો છે કે, ACP રાધિકા ભારાઈએ આદેશ આપ્યો હતો કે, "જે હેરસ્ટાઇલ કરીને આવ્યો તેને ખેંચીને કાઢો અને ઠોકો સાલાને."
ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે, સગીરને માર મારનાર પોલીસે કહ્યું હતું કે, "અમારી મા એસીપીનો આદેશ છે, તને મારવો તો પડશે જ." આ ઘટનામાં સગીર આરોપીના વાળ ખેંચીને અત્યંત અમાનવીય સજા આપવામાં આવી હતી.
ઉચ્ચ અધિકારીઓ સુધી ફરિયાદ
આ ગંભીર મામલામાં ફરિયાદમાં ACP, PI, PSI થી લઇને કોન્સ્ટેબલ સહિતના પોલીસકર્મીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ સગીર દ્વારા વડાપ્રધાન, કેન્દ્રીય ગૃહમંત્રી, મુખ્યમંત્રી અને રાજ્યનાં ગૃહમંત્રી સહિતના ઉચ્ચ સ્તરે ફરિયાદ કરવામાં આવી છે.

પોલીસ કમિશનરના આદેશ અને કાર્યવાહી
આ સમગ્ર મામલાની ગંભીરતા જોતા પોલીસ કમિશનર દ્વારા તુરંત તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. પ્રાથમિક તપાસના આધારે તાત્કાલિક અસરથી બે કોન્સ્ટેબલની બદલી કરવામાં આવી છે.
કોન્સ્ટેબલ પ્રદિપ ડાંગરને હેડ ક્વાર્ટરમાં અને સહદેવસિંહ જાડેજા નામના કોન્સ્ટેબલની ટ્રાફિક શાખામાં બદલી કરાઈ છે. પોલીસ કમિશનર દ્વારા સમગ્ર મામલાનો અંતિમ રિપોર્ટ આવ્યા બાદ અન્ય જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓ વિરુદ્ધ વધુ કડક કાર્યવાહી થાય તેવી શક્યતા છે.

