Rajkot: સૌરાષ્ટ્ર-કચ્છ રીજનલ વાયબ્રન્ટ સમિટનો આજથી પ્રારંભ, પીએમ મોદી કરશે ઉદ્ઘાટન

સૌરાષ્ટ્ર અને કચ્છના ઔદ્યોગિક વિકાસને નવી ઊંચાઈ પર લઈ જવાના હેતુ સાથે આજે રાજકોટના આંગણે 'સૌરાષ્ટ્ર-કચ્છ રીજનલ વાયબ્રન્ટ સમિટ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. 11 અને 12 જાન્યુઆરી 2026 એમ બે દિવસ સુધી ચાલનારી આ સમિટનું ઉદ્ઘાટન આજે બપોરે 1:30 કલાકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવશે.ઉદ્દધાટન માટે એક વિશેષ ડેમ તૈયાર કરાયો છે. સાથે જ એક્ઝિબિશન માટે 7 ડોમ ઉભા કરવામાં આવ્યા છે.
આ સમિટમાં વિશ્વના 40 દેશોના 350થી વધુ વિદેશી ડેલિગેટ્સ ઉપસ્થિત રહેશે, જેમાં USA, UK, જર્મની, જાપાન અને યુક્રેન જેવા દેશોના બિઝનેસ લીડર્સનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, દેશ-વિદેશના 5000થી વધુ ઉદ્યોગપતિઓ રાજકોટના મહેમાન બનશે.
મોરબી રોડ પર આવેલી મારવાડી યુનિવર્સિટી ખાતે 52 એકર જેટલી વિશાળ જગ્યામાં આ સમિટની તૈયારીઓ કરવામાં આવી છે. મારવાડી કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલ 1000 જેટલી પેટર્ન વાયબ્રન્ટમાં આકર્ષણનું કેન્દ્ર બનશે. તેમજ વિદેશી મહેમાનોના લાયઝનિંગ (માર્ગદર્શન) માટે વિદેશી વિદ્યાર્થીઓને તૈનાત કરાયા છે.
આ સમિટ દ્વારા આખા સૌરાષ્ટ્ર-કચ્છના ક્લસ્ટર આધારિત ઉદ્યોગોને વૈશ્વિક બજાર મળશે. રાજકોટના ઓટોમોબાઈલ્સ, ઇમિટેશન જ્વેલરી અને કિચનવેર, મોરબીના વિશ્વવિખ્યાત સિરામિક ઉદ્યોગ, જામનગરના બ્રાસ ઉધોગ, કચ્છના હસ્તકલા (હેન્ડીક્રાફ્ટ) અને સૌર ઉર્જા ટેકનોલોજી સહિતના ઉધોગોને પ્રોત્સાહન મળશે
આ રીજનલ સમિટમાં કરોડો રૂપિયાના MOU થવાની શક્યતા છે. આ કરારોથી માત્ર ઉદ્યોગકારોને જ નહીં, પરંતુ સ્થાનિક જનતા માટે રોજગારીની નવી તકો પણ ઉભી થશે.

