VIDEO: Rajkot ગ્રામ્ય SOGએ પાટણવાવમાં દરોડો પાડી બોગસ ડોક્ટરને ઝડપી પાડ્યો
રાજકોટ ગ્રામ્ય SOGએ બાતમીના આધારે ધોરાજી તાલુકાના પાટણવાવ પોલીસ મથકની હદમાં આવતા વાડોદર ગામમાં દરોડો પાડી એક બોગસ ડોક્ટરને રંગેહાથ ઝડપી પાડ્યો છે. માન્ય મેડિકલ ડિગ્રી વગર ક્લિનિક ખોલીને લોકોના જીવ જોખમમાં મૂકતા આ શખ્સ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, ધોરાજીના વાડોદર ગામમાં વિજયભાઇ નંદરામભાઇ ટીલાવત નામનો શખ્સ 'મારૂતી ક્લિનિક' ના નામે ગેરકાયદેસર રીતે દવાખાનું ચલાવી રહ્યો હતો. એસ.ઓ.જી.ને બાતમી મળી હતી કે આ શખ્સ પાસે કોઈ પણ પ્રકારની માન્ય તબીબી ડિગ્રી નથી, છતાં તે ડોક્ટર તરીકેની પ્રેક્ટિસ કરે છે. પોલીસની ટીમે બાતમીવાળા સ્થળે રેઇડ કરતા આખો મામલો સામે આવ્યો હતો.
વિજય ટીલાવત કોઈ પણ જાતની માન્ય ડિગ્રી વિના દર્દીઓને એલોપેથીક દવાઓ આપતો હતો. એટલું જ નહીં, તે જોખમી ઇન્જેક્શન અને સ્ટીરોઇડ દવાઓ આપીને ગંભીર રીતે મેડિકલ પ્રેક્ટિસ કરી રહ્યો હતો. ડોક્ટર ન હોવા છતાં તે એલોપેથીક સાધનોનો ઉપયોગ કરી ગ્રામ્ય પ્રજાના સ્વાસ્થ્ય સાથે ગંભીર છેતરપિંડી કરી રહ્યો હતો. પોલીસે દવાખાનામાંથી એલોપેથીક દવાઓનો જથ્થો, મેડિકલ પ્રેક્ટિસ માટેના સાધનો, રોકડ રકમ અને અન્ય સામગ્રી સહિત કુલ રૂ. 31,485 નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

