રાજકોટમાં નિવૃત્ત આર્મીમેન પાસેથી 10 લાખ રૂપિયાની આચરી છેતરપિંડી

શાંતિનગર મેઈન રોડ પર રૈયા હિલ્સ નજીક ગ્રિન સિટી ફલેટમાં રહેતાં અને 150 ફૂટ રિંગ રોડ પર નાનામવા સર્કલ નજીક મિલેનીયમ કોમ્પલેક્ષમાં એસ. કુમાર એડીબલ ઓઈલમાં લોજીસ્ટીક મેનેજર તરીકે નોકરી કરતાં સુધીરભાઈ મોનાણી (ઉ.વ. 37)ના પિતા નિવૃત આર્મીમેન ગીરીશભાઈ (ઉ.વ. 68)ને કોલ કરી અજાણ્યા શખ્સે પંજાબ નેશનલ બેંકના કર્મચારીની ખોટી ઓળખ આપી વોટસએપમાં બેન્કના ખોટા નામવાળી લિન્ક મોકલી કોઈ અજાણી એપીકે ફાઈલ ડાઉનલોડ કરાવી લીધી હતી. જેના કારણે તેના પિતાનો મોબાઈલ હેક કરી આરોપીએ રૂ. 10 લાખ ટ્રાન્સફર કરી લઈ છેતરપિંડી કર્યાની સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
મોબાઈલ નેબર ધારક સામે નોંધાઈ ફરિયાદ
સાયબર ક્રાઈમ પોલીસે આ મામલે સુધીરભાઈની ફરિયાદ પરથી મોબાઈલ નંબર ધારક અને બે બેન્ક ખાતા ધારકો સામે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. સુધીરભાઈએ પોલીસને જણાવ્યું કે તેના પિતા આર્મીમાંથી રિટાયર્ડ થયા બાદ પંજાબ નેશનલ બેંકમાં બેન્ક ઓફિસર તરીકે જોબ કરી હતી. 2018માં તે ત્યાંથી રીટાયર્ડ થયા હતા. તેના પિતાના વોટસએપ ગ્રુપમાં એક શખ્સ દ્વારા પોસ્ટ શેર કરવામાં આવી હતી. જેમાં આ એક ફ્રોડ નંબર છે, જે પંજાબ બેન્કના નામે ફ્રોડ કરે છે, આ નંબરથી સાવધાન રહેવું તેમ લખેલું હતું.
એપીકે ફાઈલ ડાઉનલોડ કરાવી કરી ઠગાઈ
ગીરીશભાઈ વયોવૃધ્ધ હોવાથી અને હાલ જોવામાં તકલીફ રહેતી હોવાથી સમજવામાં ભૂલ કરી ભૂલથી તે નંબરને બેન્કનો ઓફિશીયલ મોબાઈલ નંબર સમજી લીધો હતો. તેમનું પેન્શન બેંકમાં જમા થતું હોવાથી નવેમ્બર માસમાં પેન્શન ધારકોને હયાતિનો દાખલો આપવાનો હોય છે. જે દાખલો તેમના પિતાને આપવાનો બાકી હતો. આથી તેમણે તે ફ્રોડ નંબર પર કોન્ટેક કરી વાતચીત કરતાં અજાણ્યા શખ્સે એક એપ્લીકેશનની લિન્ક મોકલી હતી. એટલું જ નહીં તેના પિતાએ અજાણ્યા શખ્સને વોટસએપમાં એટીએમનો ફોટો પણ આપ્યો હતો. બીજી તરફ તેના પિતાએ તે લિન્ક વડે એપ્લીકેશન ડાઉનલોડ કર્યા બાદ મોબાઈલ હેક થઈ ગયો હતો. એટલું જ નહીં તેના બેન્ક ખાતામાંથી રૂ. 5-5 લાખ મળી કુલ રૂ. 10 લાખના ટ્રાન્ઝેકશન જાણ બહાર થઈ ગયા હતા. જેથી તે અને તેમના પિતાએ બેન્કમાં તપાસ કરતાં બે બેન્ક એકાઉન્ટમાં રકમ જમા થઈ હોવાનું જાણવા મળતાં અંતે ફરિયાદ નોંધાવી હતી.

