રાજકોટ શહેર ભાજપના નવા સંગઠનનું માળખું જાહેર: મહામંત્રી પદમાં પાટીદાર, ક્ષત્રિય અને OBCનું વર્ચસ્વ, જુઓ સંપૂર્ણ યાદી

સૌરાષ્ટ્રના રાજકારણના એપીસેન્ટર ગણાતા રાજકોટમાં શહેર ભાજપ દ્વારા નવા સંગઠન માળખાની જાહેરાત કરવામાં આવી છે. લાંબા સમયની રાહ અને ગાંધીનગર સુધી ચાલેલા લોબિંગ બાદ આખરે 8 ઉપપ્રમુખ, 3 મહામંત્રી, 8 મંત્રી અને 1 કોષાધ્યક્ષના નામ પર મહોર મારવામાં આવી છે. આ વરણીમાં ભાજપે જ્ઞાતિગત સમીકરણો સાધવાની સાથે અનુભવી અને નવા ચહેરાઓ વચ્ચે સંતુલન જાળવવાનો પ્રયાસ કર્યો છે.
મહામંત્રી પદ માટે 'જૂનાજોગી' પર પસંદગીનો કળશ
સંગઠનમાં સૌથી મહત્ત્વના ગણાતા મહામંત્રી પદ માટે અનેક મોટા માથાઓ રેસમાં હતા. જોકે, ભાજપે પાટીદાર, ક્ષત્રિય અને ઓબીસી (OBC) કાર્ડ રમીને વિરોધીઓને શાંત પાડ્યા છે. સામાકાંઠા વિસ્તારના દિગ્ગજ લેઉવા પાટીદાર અગ્રણી વલ્લભભાઈ દુધાત્રા મહામંત્રીની રેસમાં મેદાન મારી ગયા છે. વલ્લભભાઈ અગાઉ મહાનગરપાલિકાના હોદ્દેદાર તરીકે પણ સેવા આપી ચૂક્યા છે અને સંગઠનમાં બહોળો અનુભવ ધરાવે છે.
ક્ષત્રિય અને OBC ચહેરાઓને સ્થાન
મહામંત્રી તરીકે ક્ષત્રિય સમાજમાંથી યોગેન્દ્રસિંહ જાડેજા અને ઓબીસી સમાજમાંથી લલિત વડોલીયાની નિમણૂક કરવામાં આવી છે. ક્ષત્રિય સમાજમાં પણ અનેક નામોની ચર્ચા હતી, પરંતુ પક્ષે યોગેન્દ્રસિંહ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. આ વરણી સૂચવે છે કે આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખી ભાજપે દરેક સમાજને પ્રતિનિધિત્વ આપ્યું છે.
યુવા મોરચામાં નવા લોહીનો સંચાર
ભાજપે માત્ર મુખ્ય સંગઠન જ નહીં, પરંતુ વિવિધ મોરચાના પ્રમુખોની પણ નિમણૂક કરી છે. યુવા મોરચામાં નવા અને ઉત્સાહી યુવાનોને સ્થાન આપવામાં આવ્યું છે, જ્યારે પૂર્વ યુવા હોદ્દેદારોને તેમની કામગીરીના આધારે મુખ્ય સંગઠનમાં સ્થાન આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે.






