Rajkot/ ફૂડ સેફ્ટી પર સવાલ, મહાનગરપાલિકા દ્વારા લેવાયેલા પનીર, કપાસિયા તેલ અને પાણીના નમૂના ફેલ

રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા શહેરના વિવિધ સ્થળોએથી લેવામાં આવેલા ખાદ્ય પદાર્થો અને પાણીના નમૂનાના રિપોર્ટ જાહેર થતાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. લેવામાં આવેલા પનીર, કપાસિયા તેલ અને પાણીના નમૂના ફેઇલ થયા છે, જે શહેરના નાગરિકોના આરોગ્ય માટે ગંભીર ખતરો ઊભો કરે છે.
પાણીમાં બેક્ટેરિયા
આ રિપોર્ટમાં કેટલીક જાણીતી બ્રાન્ડ્સમાં ભેળસેળનો ખુલાસો થયો છે. 'અનમોલ' બ્રાન્ડ કપાસિયા તેલના નમૂનામાં તો આશ્ચર્યજનક રીતે કપાસિયા તેલ જ ન હતું! એટલે કે તેલના નામે અન્ય કોઈ પદાર્થનું વેચાણ થઈ રહ્યું હતું. 'શ્યામ ડેરી'ના નમૂના પણ ફેઇલ થયા છે, જેમાં બટરમાં પણ ભેળસેળ થતી હોવાનું સામે આવ્યું છે. 'ક્રિસ્ટલ બેવરેજીસ'ના બિલકિંગ વોટરમાં (પેકિંગ વોટર) નિયત માત્રા કરતાં વધુ પડતા બેક્ટેરિયા જોવા મળ્યા છે, જે પીવાના પાણીની ગુણવત્તા પર મોટો સવાલ છે.
મહાનગરપાલિકા દ્વારા હવે આ ભેળસેળિયા તત્વો સામે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ મામલે દંડ અને કોર્ટ કેસ સહિતની કાયદેસરની કાર્યવાહી મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવી છે, જેથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારાઓને પાઠ ભણાવી શકાય.

