VIDEO: રાજકોટમાં ‘નંબર પ્લેટ નહીં તો ઇંધણ નહીં’ નિયમ વચ્ચે ભાજપ નેતાઓના વાહનો મુદ્દે સવાલ
સોર્સ : gstv
રાજકોટ શહેરમાં ‘નંબર પ્લેટ નહીં તો ઇંધણ નહીં’ના નિયમને લઈને પોલીસની કાર્યવાહી વચ્ચે હવે બેવડી નીતિના આક્ષેપો થઈ રહ્યા છે. પોલીસ કમિશનરે નંબર પ્લેટ વગરના વાહનોને પેટ્રોલ-ડીઝલ નહીં આપવાનો આદેશ કર્યો છે. સાથે જ સામાન્ય વાહનચાલકો સામે નંબર પ્લેટ અને કાળા કાચના નિયમોના ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવી રહી છે. જોકે, બીજી તરફ ભાજપના આગેવાનો નંબર પ્લેટ વગરના વાહનોમાં ફરતા હોવાના દૃશ્યો સામે આવ્યા છે. રાજકોટ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ નાગદાન ચાવડા નંબર પ્લેટ વગરની કારમાં જોવા મળ્યા હતા. આ ઉપરાંત ધારાસભ્ય દર્શિતા શાહ પણ નંબર પ્લેટ વગરના વાહનમાં જોવા મળ્યા હોવાનો દાવો છે. સમગ્ર મુદ્દે હવે પોલીસની કામગીરી અને નિયમોના સમાન અમલને લઈને સવાલો ઉઠ્યા છે.

