રાજકોટમાં GSTના ધામા: એસ્ટ્રોન ચોકના મોટા મોબાઈલ શોરૂમ્સમાં દરોડા, વેપારીઓમાં ફફડાટ
Rajkot news: રવિવારની રજાના દિવસે જ્યારે રાજકોટનું મોબાઈલ માર્કેટ ગ્રાહકોથી ઉભરાઈ રહ્યું હતું, ત્યારે જ GST વિભાગે અચાનક ત્રાટકીને મોબાઈલ વિક્રેતાઓમાં ફફડાટ ફેલાવી દીધો છે. રાજકોટના જાણીતા એસ્ટ્રોન ચોક વિસ્તારમાં આવેલા નામાંકિત મોબાઈલ શોરૂમ્સ પર GST વિભાગ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
કયા શોરૂમ્સ પર પડી રેડ?
મળતી માહિતી મુજબ, એસ્ટ્રોન ચોકમાં આવેલા ઉમિયા મોબાઈલ, જેનિસ મોબાઈલ, મેહુલ ટેલીકોમ અને ઓપો (Oppo) એક્સક્લુઝિવ સ્ટોર પર GSTના અધિકારીઓએ દરોડા પાડ્યા છે. આ શોરૂમ્સ રાજકોટના મોબાઈલ માર્કેટમાં મોટું નામ ધરાવે છે, જેના કારણે આ કાર્યવાહીની અસર સમગ્ર બજારમાં જોવા મળી રહી છે.
તપાસના મુખ્ય મુદ્દાઓ
રાજકોટ શહેરમાં GST વિભાગના દરોડામાં આ તપાસ મુખ્યત્વે નીચેના મુદ્દાઓ પર કેન્દ્રિત રહી હતી. જેમાં શું ગ્રાહકોને કાચા બિલ અથવા બિલ વગર મોબાઈલ વેચવામાં આવતા હતા? સેકન્ડ હેન્ડ મોબાઈલના વ્યવહારોમાં GSTના નિયમોનું પાલન થાય છે કે કેમ? સ્ટોરમાં હાજર મોબાઈલ અને ચોપડે નોંધાયેલા સ્ટોક વચ્ચેનો તફાવત હોવાની તપાસ કરાઈ હતી. આ ઉપરાંત લાંબા સમયથી ચાલી રહેલી GSTની સંભવિત ચોરીની તપાસ કરવામાં આવી હતી.
રવિવારે મોટી સંખ્યામાં ગ્રાહકો ખરીદી માટે આવતા હોય છે, તેવા સમયે જ આ દરોડા પડતા ગ્રાહકોમાં પણ કુતૂહલ જોવા મળ્યું હતું. હાલમાં અધિકારીઓ દ્વારા તમામ હિસાબી દસ્તાવેજો અને ડિજિટલ ડેટાની તપાસ કરવામાં આવી રહી છે.

