Indian Railways: અમદાવાદ-મુંબઈ મુસાફરોને બખ્ખાં! શતાબ્દી એક્સપ્રેસમાં વધારાનો AC કોચ જોડાશે, કન્ફર્મ ટિકિટ મળવી બનશે સરળ

Indain Railways: અમદાવાદ અને મુંબઈ વચ્ચે મુસાફરી કરતા મુસાફરો માટે પશ્ચિમ રેલવે દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. વેઈટિંગ લિસ્ટની સમસ્યાને હળવી કરવા અને મુસાફરોની વધતી ભીડને ધ્યાનમાં રાખીને, રેલવે પ્રશાસને પ્રતિષ્ઠિત 'શતાબ્દી એક્સપ્રેસ'માં એક વધારાનો એસી ચેર કાર કોચ જોડવાની જાહેરાત કરી છે.
ફેબ્રુઆરી મહિનામાં મળશે વધારાની સીટો
પશ્ચિમ રેલવેના સત્તાવાર નિવેદન મુજબ, ટ્રેન નંબર 12010/12009 અમદાવાદ–મુંબઈ સેન્ટ્રલ–અમદાવાદ શતાબ્દી એક્સપ્રેસમાં આ સુવિધા અસ્થાયી ધોરણે ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ વધારાનો કોચ 1 ફેબ્રુઆરી 2026થી 28 ફેબ્રુઆરી 2026 સુધી ટ્રેનમાં કાર્યરત રહેશે. આ નિર્ણયથી લગ્નગાળા અને રજાઓના કારણે મુસાફરી કરતા લોકોને કન્ફર્મ ટિકિટ મળવામાં સરળતા રહેશે.
કોચની વિગતો અને મુસાફર સુવિધા
કોચનો પ્રકાર: એસી ચેર કાર (AC Chair Car).
સમયગાળો: આખા ફેબ્રુઆરી માસ દરમિયાન (01.02.2026 થી 28.02.2026).
લાભ: એક વધારાનો કોચ ઉમેરવાથી ટ્રેનની ક્ષમતામાં આશરે 70થી 75 બેઠકોનો વધારો થશે, જે વેઈટિંગ લિસ્ટના મુસાફરોને રાહત આપશે.
વધુ માહિતી ક્યાંથી મેળવવી?
રેલવેએ મુસાફરોને વિનંતી કરી છે કે, ટ્રેનના સ્ટોપેજ,ટાઈમટેબલ અને કોચની નવી રચના (Composition) અંગેની વિગતવારમાહિતી માટે ભારતીય રેલવેની સત્તાવાર પૂછપરછ વેબસાઈટ www.enquiry.indianrail.gov.in પર મુલાકાત લેવી. આ ઉપરાંત, મુસાફરો IRCTCની એપ અથવા રેલવે સ્ટેશન પરના પૂછપરછ કાઉન્ટર પરથી પણ માહિતી મેળવી શકે છે.

