VIDEO: ધોરાજીના ખેડૂતો વિફર્યાં, પીજીવીસીએલ કચેરીના લાઈટ પંખા કર્યાં બંધ
ધોરાજી તાલુકાના સુપેડી અને ઝાંઝમેર ગામના ખેડૂતોએ વીજ સમસ્યાથી કંટાળીને ઉપલેટા PGVCL ગ્રામ્ય પેટા કચેરી ખાતે ભારે હોબાળો મચાવ્યો હતો. છેલ્લા ઘણા સમયથી લોડ સેટિંગના નામે અવારનવાર પાવર કાપ મૂકવામાં આવતાં ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હાલ ખેતરોમાં પાક તૈયાર થઈ ગયો હોવાથી સિંચાઈ માટે પૂરતી વીજળીની તાતી જરૂરિયાત છે. ખેડૂતો જ્યારે પિયત કરી રહ્યા હોય ત્યારે જ વીજળી ગુલ થઈ જતાં પાક સુકાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે. આક્રોશિત ખેડૂતોએ કચેરીમાં પહોંચીને વિરોધ દર્શાવવા તમામ ઓફિસોના લાઈટ-પંખા બંધ કરાવી દીધા હતા અને કામકાજ ઠપ કરી દીધું હતું. ત્યારબાદ ખેડૂતોએ નાયબ ઈજનેરની ઓફિસમાં જ બેસીને રામધૂન બોલાવી વિરોધ નોંધાવ્યો હતો. ખેડૂતોની એક જ માગ છે કે લોડ સેટિંગ બંધ કરી તેમને પૂરતા સમય માટે અને સાતત્યપૂર્ણ વીજ પુરવઠો તાત્કાલિક પૂરો પાડવામાં આવે.

