VIDEO: Rajkot / ભાજપની ધમકીના ડરે કોંગ્રેસે ઉમેદવારોને અજ્ઞાત સ્થળે ખસેડ્યા; ગાયત્રીબા વાઘેલાએ કર્યો મોટો ખુલાસો
રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાજકીય માહોલ ગરમાયો છે. ભાજપ દ્વારા ઉમેદવારોને ધમકાવવામાં આવી રહ્યા હોવાના ગંભીર આક્ષેપ સાથે કોંગ્રેસે પોતાના 12 જેટલા ઉમેદવારોને અજ્ઞાત સ્થળે ખસેડી દીધા છે. આ મામલે મહિલા કોંગ્રેસના અગ્રણી ગાયત્રીબા વાઘેલાએ નિવેદન આપતા ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે.
મહિલા કોંગ્રેસ અગ્રણી ગાયત્રીબા વાઘેલાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસના 4થી 5 ઉમેદવારોને ધમકીભર્યા ફોન આવ્યા હોવાની જાણ શહેર કોંગ્રેસ પ્રમુખને થઈ હતી. ભાજપના નેતાઓ દ્વારા નવા ઉમેદવારો પર દબાણ બનાવી તેમને ફોર્મ પરત ખેંચવા માટે મજબૂર કરવામાં આવી રહ્યા હોવાની ભીતિ સેવાઈ રહી છે. આ સ્થિતિને જોતા પક્ષે તાત્કાલિક નિર્ણય લઈને 12 ઉમેદવારોને સુરક્ષિત સ્થળે મોકલી આપ્યા છે. ગાયત્રીબાએ સ્પષ્ટ કર્યું હતું કે, નવા ઉમેદવારો ભાજપની ધમકીમાં આવીને પોતાના ફોર્મ પરત ન ખેંચે તે માટે તેમને અજ્ઞાત સ્થળે રાખવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ, આ તમામ 12 ઉમેદવારોને આવતીકાલે બપોર બાદ રાજકોટ પરત લાવવામાં આવી શકે છે. ફોર્મ પરત ખેંચવાની સમયમર્યાદા પૂર્ણ થયા બાદ જ આ ઉમેદવારો જાહેરમાં આવશે અને પોતાના વિસ્તારમાં પ્રચાર કાર્ય શરૂ કરશે.

