VIDEO: Rajkot / ભાજપે ચૂંટણી જીતવા ગુંડાઓ અને ભૂ-માફિયાઓને મેદાનમાં ઉતાર્યા; આમ આદમી પાર્ટીએ લગાવ્યા ગંભીર આક્ષેપ
રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના પાટણવાવ ખાતે આમ આદમી પાર્ટી (AAP) દ્વારા એક ભવ્ય વિજય વિશ્વાસ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આગામી ધોરાજી તાલુકા પંચાયતની 15 અને જિલ્લા પંચાયતની 2 બેઠકોની ચૂંટણીના પ્રચાર અર્થે યોજાયેલી આ સભામાં AAPના દિગ્ગજ નેતાઓએ સત્તાધારી પક્ષ ભાજપ પર ગંભીર આક્ષેપો કરીને રાજકીય ગરમાવો લાવી દીધો છે.
આમ આદમી પાર્ટીના નેતા જિગીષા પટેલ અને પ્રવીણ રામ એ સભાને સંબોધતા ભાજપ સરકાર પર પ્રહારો કર્યા હતા. તેઓએ આક્ષેપ કર્યો હતો કે ભાજપ ચૂંટણી જીતવા માટે સામ, દામ, દંડ અને ભેદની નીતિ અપનાવી રહ્યું છે. ભાજપે ચૂંટણી જીતવા માટે ગુંડાઓ, ભૂ-માફિયાઓ અને ખનિજ ચોરોને મેદાનમાં ઉતાર્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જિગીષા પટેલે આક્ષેપ કર્યો હતો કે પોલીસ અને વહીવટી તંત્ર નિષ્પક્ષ કામ કરવાને બદલે ભાજપના ઉમેદવારોને જીતાડવા માટે મથામણ કરી રહ્યું છે. AAP ના ઉમેદવારોને આર્થિક લાલચ આપીને અથવા ડરાવી-ધમકાવીને ફોર્મ પાછા ખેંચવા માટે મજબૂર કરવામાં આવી રહ્યા છે.
પોલીસ ભાજપના ઈશારે અમારા ઉમેદવારોને ધમકાવી રહી છે. ગોંડલ અને આસપાસના વિસ્તારોમાં ગુંડાગીરી એટલી હદે વધી ગઈ છે કે અમારા ઉમેદવારોએ જીવના જોખમે ભૂગર્ભમાં ઉતરી જવું પડ્યું છે. સભામાં જિગીષા પટેલે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાનું નામ લીધા વગર નિશાન સાધ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે ગોંડલ નગરપાલિકા અને પંચાયતની બેઠકો પર AAP ના ઉમેદવારોના ઘરે અસામાજિક તત્વો મોકલીને તેમને હેરાન કરવામાં આવ્યા છે. ભયના વાતાવરણને કારણે લોકશાહીનું હનન થઈ રહ્યું હોવાની લાગણી તેમણે વ્યક્ત કરી હતી.
AAP નેતા પ્રવીણ રામે પોલીસ તંત્રની કામગીરી પર સવાલ ઉઠાવતા કહ્યું કે, ભાજપના રાજમાં રક્ષક ગણાતી પોલીસ હવે ભક્ષક બની ગઈ છે. તેમણે ચોંકાવનારો દાવો કર્યો હતો કે ધોરાજીની બેઠકો પર ભાજપે જ કોંગ્રેસને ઉમેદવારો પૂરા પાડ્યા છે જેથી મતોનું વિભાજન કરી શકાય. ધોરાજી તાલુકા પંચાયતની 15 અને જિલ્લા પંચાયતની 2 બેઠકો માટે હવે જંગ જામ્યો છે. એક તરફ ભાજપ પોતાની સત્તા ટકાવી રાખવા મથી રહ્યું છે, ત્યારે બીજી તરફ આમ આદમી પાર્ટી 'પરિવર્તન'ના નારે મેદાનમાં છે. પાટણવાવની આ સભામાં મોટી સંખ્યામાં સમર્થકો ઉમટી પડ્યા હતા, જે આગામી દિવસોમાં રસાકસીભર્યા જંગના સંકેત આપી રહ્યા છે.

