રાજકોટ/ મંદિરેથી ઘરે જઈ રહેલા વૃદ્ધની બાઈકને ટ્રકે મારી ટક્કર, ઘટનાસ્થળે થયું મોત

રાજકોટમાં અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજકોટના માધાપર ચોકડી નજીક અકસ્માત સર્જાયો. જેમાં ટ્રક અને બાઇક ચાલક વચ્ચે અકસ્માત સર્જાતા બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત થયું. સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચીને કાર્યવાહી હાથ ધરી હતી.
આ પણ વાંચોઃ સુરેન્દ્રનગર : જોરાવરનગરમાં ફાયરિંગ કરી યુવકની હત્યા કરનાર હત્યારો ઝડપાયો
મળતી માહિતી મુજબ 79 વર્ષીય ભરતભાઈ જોષી ઈશ્વરિયા મંદિરે દર્શન કરીને પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન માધાપર ચોકડી નજીક અકસ્માત સર્જાયો હતો. માધાપર ચોકડી પાસે પૂરપાટ ઝડપે આવી રહેલી ટ્રક નં GJ 10 TT 5590 સાથે ભરતભાઈનું બાઈક અથડાયું હતું. બેફીકરાઈ તથા ગફલતભરી રીતે માણસની જિંદગી જોખમાય તે રીતે ડ્રાઈવર ટ્રક ચલાવી રહ્યો હતો. અકસ્માત સર્જાતા ભરતભાઈ જોષીને માથામા અને શરીરે ગંભીર ઇજાઓ થતાં ઘટના સ્થળે મોત થયું હતું.
આ પણ વાંચોઃ નસવાડીમાં સીસીઆઈ કપાસની ખરીદી ન કરતાં ખેડૂતોમાં રોષ, બોડેલી યાર્ડમાં બીજા દિવસે પણ વેચાણ ન થયું
મૃતક વૃદ્ધના પુત્ર સંજય જોશીએ અકસ્માતની ફરિયાદ નોંધાવી છે. ગાંધીગ્રામ પોલીસ મથકમાં બી.એન.એસ. ની કલમ.૧૦૬(૧),૨૮૧ તથા એમ.વી.એકટ.કલમ.૧૭૭,૧૮૪ મુજબ ફરિયાદ નોંધાઈ છે.
જણાવી દઈએ કે અગાઉ ત્રણ દિવસ પહેલા રાજકોટના જામનગર હાઇવે પર ન્યારા ગામના પાટીયા પાસે અકસ્માતનો બનાવ બન્યો હતો. સોમવારે રાત્રે કાર ચાલકે એક્ટિવાને અડફેટે લીધું હતું. જેમાં એક્ટિવા સવાર પતિ અને પત્નીને ઇજા પહોંચી હતી. જ્યારે 8 વર્ષીય પુત્રનું મોત નીપજ્યું હતું. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ થતાં પોલીસ પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
અગાઉ દિવાળીના દિવસે રાજકોટ કોટેચા ચોક નજીક નબીરાએ ફોર્ચ્યુનર કાર વડે અકસ્માત સર્જ્યો હતો. નબીરાએ બેફામ કાર ચલાવીને 8થી 9 વાહનોને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં 6 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા. કોટેચા ચોકમાં કાળાં કલરની બેકાબુ ફોર્ચ્યુનર અને એન્ડેવર લકઝરીયસ કારે અનેકને અડફેટે લીધા હતા. કારે અકસ્માત સર્જતાં ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી.

