Rajkot: પ્રમોશન માટે શૈક્ષણિક કૌભાંડ? અંગ્રેજી ભવનના પ્રોફેસરે NEP-2020નો ઉલ્લેખ 2015ના પેપરમાં કર્યાનો આક્ષેપ
રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અંગ્રેજી ભવનના પ્રોફેસર ડો. કમલ મહેતા સામે પ્રમોશન મેળવવા માટે ગંભીર શૈક્ષણિક છેતરપિંડી આચર્યાના આક્ષેપો RTI દ્વારા સામે આવ્યા છે. વિવાદનું મુખ્ય કારણ એ છે કે, જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) ની અમલવારી વર્ષ 2020માં થઈ, તેના પર ડો. મહેતાએ વર્ષ 2015માં જ સંશોધન કરી લીધું હોવાનું દર્શાવ્યું છે. ડો. કમલ મહેતાએ વર્ષ 2015માં પ્રકાશિત થયેલા બતાવેલા સંશોધન પત્રોમાં NEP-2020નો ઉલ્લેખ કર્યો છે, જે અશક્ય છે. આથી, એવી આશંકા સેવાઈ રહી છે કે પ્રમોશન અને આર્થિક લાભ મેળવવા માટે વર્ષ 2024માં જૂની તારીખના પેપર અપલોડ કરીને મોટું કાવતરું રચવામાં આવ્યું છે. આ ગંભીર શૈક્ષણિક ગેરરીતિ મામલે રાજ્ય સરકાર દ્વારા પણ યુનિવર્સિટી પાસે ખુલાસો માંગવામાં આવ્યો છે. આ ઉપરાંત, ડો. નિદત બારોટે કુલસચિવને લેખિત ફરિયાદ કરી કડક કાર્યવાહીની માંગ કરી છે.

