Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / પાટણ : VIDEO: Police crackdown in Patan: Cattle herders who bullied cattle depot employees taken out in public procession

VIDEO: પાટણમાં પોલીસનો સપાટો: ઢોર ડબ્બાના કર્મચારીઓ સાથે દાદાગીરી કરનાર પશુપાલકોનું જાહેરમાં સરઘસ કાઢ્યું

Timeછેલ્લું અપડેટ : 28 Dec 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: પાટણ શહેરમાં સરકારી કર્મચારીઓની ફરજમાં રુકાવટ ઊભી કરનાર અને દાદાગીરી કરનાર તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે. નગરપાલિકાના ઢોર ડબ્બાના કર્મચારીઓ સાથે ગેરવર્તન કરી, અપશબ્દો બોલીને બળજબરીથી પશુઓ છોડાવી જનાર ચાર પશુપાલકોને પાટણ એ-ડિવિઝન પોલીસે શાન ઠેકાણે લાવી દીધી છે. પોલીસે આ ચારેય શખ્સોની ધરપકડ કરી તેમનું જાહેરમાં સરઘસ કાઢી ગુનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું.

App Store

શું હતી સમગ્ર ઘટના?
પાટણ નગરપાલિકાની ટીમ શહેરના રસ્તાઓ પર રખડતા પશુઓના ત્રાસને દૂર કરવા માટે કામગીરી કરી રહી હતી. આ દરમિયાન ઢોર ડબ્બાના કર્મચારીઓએ રસ્તે રખડતા કેટલાક પશુઓને પકડીને ડબ્બામાં પૂર્યા હતા. આ કામગીરીથી ઉશ્કેરાયેલાં કેટલાક પશુપાલકોએ પોતાની 'દબંગગીરી' બતાવવાનું શરૂ કર્યું હતું.

પશુપાલકોએ નગરપાલિકાના કર્મચારીઓ પર જોહુકમી કરી, તેમને બીભત્સ ગાળો આપી હતી અને ડર બતાવીને પકડેલી ગાયોને જબરદસ્તીથી છોડાવી ગયા હતા. સરકારી કામગીરીમાં અડચણ અને કર્મચારીઓ સાથેના આ પ્રકારના ગેરવર્તનને કારણે મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.

પોલીસની એક્શન મોડમાં કામગીરી
નગરપાલિકાના કર્મચારીઓની ફરિયાદના આધારે પાટણ એ-ડિવિઝન પોલીસ તાત્કાલિક હરકતમાં આવી હતી. પોલીસે તપાસ કરીને દાદાગીરી કરનારા ચાર પશુપાલકોની અટકાયત કરી હતી. અન્ય તત્વોમાં પોલીસનો ડર રહે અને ભવિષ્યમાં કોઈ સરકારી કર્મચારી સામે આવી હિંમત ન કરે તે હેતુથી પોલીસે કડક વલણ અપનાવ્યું હતું.

જાહેરમાં સરઘસ અને રિકન્સ્ટ્રક્શન
ધરપકડ કરાયેલા પશુપાલકોને પોલીસ એ જ સ્થળે લઈ ગઈ હતી જ્યાં તેમણે દાદાગીરી કરી હતી. પોલીસે આ શખ્સોનું જાહેરમાં સરઘસ કાઢ્યું હતું અને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. પાટણના બજારોમાં પોલીસ જ્યારે આ આરોપીઓને લઈને નીકળી, ત્યારે લોકોના ટોળાં ઉમટી પડ્યા હતા. પોલીસની આ આકરી કાર્યવાહીને કારણે અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

જનતામાં પોલીસની કામગીરીની પ્રશંસા
રખડતા ઢોરના મુદ્દે પાલિકા જ્યારે કામગીરી કરતી હોય ત્યારે પશુપાલકો દ્વારા થતા હુમલા કે દાદાગીરીની ઘટનાઓ અવારનવાર સામે આવતી હોય છે. પાટણ પોલીસે જે રીતે ત્વરિત પગલાં ભરીને આરોપીઓને જાહેરમાં પાઠ ભણાવ્યો છે, તેની નગરજનો દ્વારા પ્રશંસા કરવામાં આવી રહી છે.