VIDEO: પાટણની 9 વર્ષની આતુરતાનો અંત, હર્ષ સંઘવીએ અત્યાધુનિક બસ પોર્ટનું કર્યું લોકાર્પણ
પાટણ જિલ્લાવાસીઓ માટે આજનો દિવસ ઐતિહાસિક બની રહ્યો છે. છેલ્લા નવ વર્ષથી જેની રાહ જોવાતી હતી તે અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ 'બસ પોર્ટ'નું આખરે લોકાર્પણ કરવામાં આવ્યું છે. રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે આ બસ પોર્ટ ખુલ્લું મુકવામાં આવ્યું હતું. આ પ્રસંગે હર્ષ સંઘવીએ પોતાના આગવા અંદાજમાં પાટણવાસીઓને સંબોધતા કેટલીક મહત્વની વાતો કરી હતી.
સ્વચ્છતા માટે માતાજીના સોગંદ અને કડક ચેતવણી
લોકાર્પણ દરમિયાન હર્ષ સંઘવીએ સ્ટેજ પરથી પાટણવાસીઓને અપીલ કરી હતી કે આ બસ સ્ટેન્ડને સાચવવાની જવાબદારી હવે જનતાની છે. તેમણે લોકોને કાળકા માતાના સોગંદ આપતા જણાવ્યું હતું કે, બસ પોર્ટની સાફ-સફાઈ માટે તમારે સૌએ કટિબદ્ધ થવું પડશે. સાથે જ તેમણે ગુનેગારોને પણ આડેહાથ લેતા કહ્યું કે, "ગુજરાતના ખૂણે ખૂણેથી લુખ્ખા-ટપોરીઓને સીધા કરવા અને પ્રજા શાંતિથી રહી શકે તે માટે સરકાર કટિબદ્ધ છે."
આ બસ સ્ટેન્ડ પરથી રોજની અંદાજે 800 ટ્રીપોનું સંચાલન થશે. જેમાં અંદાજે રોજબરોજ 20,000 જેટલા મુસાફરોની અવરજવર આ પોર્ટ પર રહેશે. છેલ્લા 8-9 વર્ષથી બસ સ્ટેન્ડના અભાવે આજુબાજુના જે ધંધા-રોજગાર ઠપ્પ થઈ ગયા હતા, તેને હવે ફરીથી વેગ મળશે.
જોકે, બસ પાર્કિંગ અને વધતા ટ્રાફિકની સમસ્યા આગામી સમયમાં તંત્ર માટે મોટો પડકાર બની રહેશે તેવી પણ ચર્ચા છે.
કિરીટ પટેલને ભાજપમાં લાવવાના 'સંકેત'?
આ કાર્યક્રમમાં બસ પોર્ટ કરતા વધુ ચર્ચા રાજકીય ગલિયારાઓમાં જોવા મળી હતી. સ્ટેજ પર પાટણ કોંગ્રેસનાધારાસભ્ય કિરીટભાઈ પટેલની હાજરી અને હર્ષ સંઘવીનું વક્તવ્ય અનેક તર્ક-વિતર્ક જગાવી ગયું છે. હર્ષ સંઘવીએ કિરીટભાઈ પટેલને જે રીતે સંબોધ્યા, તેનાથી રાજકીય વર્તુળોમાં ચર્ચા જાગી છે કે શું તેઓને ભાજપમાં લાવવા માટે અડકતરો ઈશારો કરવામાં આવ્યો છે? નોંધનીય છે કે 10 દિવસ પહેલા જ ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ પણ કોંગ્રેસની ટીકા વચ્ચે કિરીટભાઈ પટેલ સારા માણસ હોવાનું કહી તેમને પક્ષ છોડવાનો ઈશારો કર્યો હતો. આ ઘટનાક્રમ બાદ 2027ની વિધાનસભા ચૂંટણીમાં પાટણ સીટ પરથી ભાજપના જે દાવેદારો દાવ લગાવી રહ્યા છે, તેમના અરમાનો પર ક્યાંક ને ક્યાંક ચિંતાના વાદળો છવાયા છે.

