Patan/ શંખેશ્વરમાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો બોગસ ડોક્ટર ઝડપાયો

પાટણ જિલ્લામાં લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડા કરતા તત્વો વિરુદ્ધ SOG પોલીસ એક્શન મોડમાં આવી છે. શંખેશ્વર તાલુકાના પાડલા ગામે મેડિકલ ડિગ્રી કે લાયસન્સ વગર પ્રેક્ટિસ કરી રહેલા એક બોગસ તબીબને ઝડપી પાડીને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
કાચવાળી દુકાનમાં ચાલતું હતું ગેરકાયદે દવાખાનું
મળતી માહિતી મુજબ, શંખેશ્વરના પાડલા ગામની નાકાશેરીમાં આવેલી એક કાચવાળી દુકાનમાં નઝીરભાઇ કાલુમિયાં મલેક નામનો શખ્સ કોઈ પણ પ્રકારની માન્ય ડિગ્રી વગર બીમાર લોકોને ઈન્જેક્શન અને એલોપેથિક દવાઓ આપી સારવાર કરતો હતો. આ અંગેની બાતમી મળતા પાટણ SOGની ટીમે દરોડો પાડ્યો હતો.
મુદ્દામાલ જપ્ત અને ધરપકડ
દરોડા દરમિયાન પોલીસે દવાખાનામાંથી ઈન્જેક્શન, વિવિધ દવાઓ અને મેડિકલ સાધનો સહિત કુલ રૂ. ૩,૨૬૯નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પોલીસે આરોપી નઝીરભાઇ મલેકની ધરપકડ કરી તેને શંખેશ્વર પોલીસને સોંપ્યો છે. હાલ શંખેશ્વર પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે કે આ બોગસ ડોક્ટર કેટલા સમયથી અહીં પ્રેક્ટિસ કરતો હતો.

