VIDEO : ગોધરા પાલિકામાં ભાજપને પ્રથમવાર સ્પષ્ટ બહુમતી, મહિલા OBC પ્રમુખની રેસમાં આ બે નામની જોરશોરથી ચર્ચા
પંચમહાલ જિલ્લાના ગોધરામાં ઐતિહાસિક રાજકીય પરિવર્તન સાથે નગરપાલિકામાં પ્રથમવાર સ્પષ્ટ બહુમતી મેળવીને ભારતીય જનતા પાર્ટીએ સત્તાના સૂત્રો સંભાળ્યા છે. કુલ 11 વોર્ડના 44 સભ્યો પૈકી 27 સભ્યોની ભવ્ય જીત થતા ભાજપના શાસનનો માર્ગ મોકળો બન્યો છે, જેમાં પ્રથમ અઢી વર્ષની ટર્મ માટે પ્રમુખ પદ મહિલા ઓબીસી કેટેગરી માટે અનામત રાખવામાં આવ્યું છે. આ પદ માટે હાલ વોર્ડ નંબર-2 માંથી વિજેતા થયેલા જશોદાબેન પ્રજાપતિ સૌથી મજબૂત અને મુખ્ય દાવેદાર તરીકે ઉભરી આવ્યા છે. તેમની સાથે જ પ્રમુખ પદની રેસમાં વોર્ડ નંબર-5 ના સભ્ય અને પૂર્વ પ્રમુખ રાજુભાઈ દરજીના પત્ની પારુલબેન દરજીનું નામ પણ બીજા ક્રમે જોરશોરથી ચર્ચાઈ રહ્યું છે.
આ અગાઉ ગોધરા પાલિકામાં પક્ષને બહુમતી માટે અન્યના ટેકાની જરૂર પડતી હતી, પરંતુ આ વખતે જનતાએ ભાજપને સ્પષ્ટ જનાદેશ આપતા પક્ષમાં ઉત્સાહનો માહોલ છે. નવા પ્રમુખની વરણીને લઈને પક્ષના મોવડી મંડળમાં ગહન મંથન ચાલી રહ્યું છે, જેમાં અનુભવ અને સ્થાનિક સમીકરણોને પ્રાધાન્ય આપવામાં આવશે. શહેરના વિકાસના કામોને વેગ આપવા માટે ભાજપ હવે પોતાના દમ પર નિર્ણયો લઈ શકશે, જે ગોધરાના રાજકારણ માટે એક નવો વળાંક સાબિત થશે. આગામી દિવસોમાં પ્રમુખના નામની સત્તાવાર જાહેરાત સાથે જ પાલિકાનું નવું શાસન કાર્યરત થશે, જેના પર સૌની મીટ મંડાયેલી છે. મહિલા ઓબીસી પ્રમુખ બનવાના હોવાથી સામાજિક સમરસતાના સમીકરણો પણ પક્ષ માટે મહત્વના બની રહેશે. આમ, દાયકાઓ બાદ ગોધરા નગરપાલિકામાં ભગવો લહેરાતા ભાજપના કાર્યકરો અને સમર્થકોમાં ભારે હર્ષોલ્લાસ જોવા મળી રહ્યો છે.

