VIDEO: Panchmahal / ચૂંટણી ફરજમાં બેદરકારી દાખવવી શિક્ષકને ભારે પડી; મોરવાહડફમાં પ્રિસાઈડિંગ ઓફિસર સામે સીધું ધરપકડ વોરંટ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જેવી મહત્વની રાષ્ટ્રીય ફરજમાં બેદરકારી દાખવવી એક શિક્ષકને ભારે પડી છે. મોરવાહડફમાં ચૂંટણી અધિકારીના હુકમનો અનાદર કરનાર પ્રિસાઈડિંગ ઓફિસર સામે તંત્રએ લાલ આંખ કરી છે અને તેમની સામે સીધું ધરપકડ વોરંટ ઇસ્યુ કરવામાં આવતા અન્ય કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પંચમહાલ જિલ્લાના ચૂંટણી તંત્ર દ્વારા વિવિધ કર્મચારીઓને જવાબદારીઓ સોંપવામાં આવી હતી. જે અંતર્ગત મોજરી નાયકા ફળીયા વર્ગ પ્રાથમિક શાળાના મદદનીશ શિક્ષક ઠાકરડા માંગાભાઈ વેચાતભાઈને પ્રિસાઈડિંગ ઓફિસર તરીકેની મહત્વની જવાબદારી સોંપાઈ હતી. નિયમ મુજબ, પ્રિસાઈડિંગ ઓફિસરે 25 એપ્રિલના રોજ સવારે 8 કલાકે સરકારી વિનયન કોલેજ, મોરવા ખાતેના ડિસ્પેચીંગ સેન્ટર પર હાજર રહેવાનું હતું. જોકે, ઠાકરડા માંગાભાઈ નિયત સમયે સ્થળ પર હાજર રહ્યા ન હતા. આ બાબતને ચૂંટણી અધિકારીના હુકમનો અનાદર અને રાષ્ટ્રીય ફરજમાં ગંભીર બેદરકારી ગણવામાં આવી છે.

