VIDEO: Panchmahal / સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ફટકો, નિયમો અને મેન્ડેટના છબરડામાં 2 ઉમેદવારોના ફોર્મ રદ્દ
સ્થાનિક સ્વરાજની ચૂંટણીના રણશિંગા ફૂંકાઈ ચૂક્યા છે ત્યારે પંચમહાલના ઘોઘમ્બામાં કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. વહીવટી પ્રક્રિયામાં થયેલી ગંભીર ક્ષતિઓને કારણે કોંગ્રેસના બે ઉમેદવારોના ફોર્મ રદ્દ કરવામાં આવ્યા છે. જેમાં એક જિલ્લા પંચાયત અને એક તાલુકા પંચાયતની બેઠકનો સમાવેશ થાય છે.
સિમલિયા જિલ્લા પંચાયત બેઠક પરથી કોંગ્રેસે ખાતુભાઈ રામજીભાઈ રાઠવાને મેદાનમાં ઉતાર્યા હતા. જોકે, ચૂંટણી પંચના નિયમો મુજબ બેથી વધુ સંતાનો ધરાવતા ઉમેદવાર ચૂંટણી લડી શકતા નથી. ખાતુભાઈને ૩ બાળકો હોવાનું સામે આવતા તેમનું ઉમેદવારી ફોર્મ રદ્દ કરવામાં આવ્યું છે. પક્ષ દ્વારા ઉમેદવારની પસંદગીમાં થયેલી આ પાયાની ભૂલ હવે કોંગ્રેસને ભારે પડી રહી છે.
બીજી તરફ, ઘોઘમ્બા તાલુકા પંચાયતની બેઠક પર હાસ્યાસ્પદ કહી શકાય તેવી ભૂલ સામે આવી છે. કોંગ્રેસના ઉમેદવાર રાઠવા રમીલાબેન પોપટભાઈનું ફોર્મ રદ્દ કરવામાં આવ્યું છે. અહીં પક્ષ દ્વારા આપવામાં આવેલું મેન્ડેટ અલગ વ્યક્તિના નામનું હતું, જ્યારે ઉમેદવારી પત્રક અન્ય વ્યક્તિએ ભર્યું હતું. આ ટેકનિકલ ખામીને કારણે ચૂંટણી અધિકારીએ ફોર્મ અમાન્ય ઠેરવ્યું છે. ચૂંટણી પ્રચાર શરૂ થાય તે પહેલા જ ઘોઘમ્બામાં કોંગ્રેસની આ મોટી બેદરકારીને કારણે કાર્યકરોમાં નિરાશા જોવા મળી રહી છે. ફોર્મ ભરવામાં થયેલી આ 'મોટી ચૂક' ને કારણે હવે આ બેઠકો પર કોંગ્રેસનો કોઈ સત્તાવાર ઉમેદવાર મેદાનમાં રહેશે નહીં, જેનો સીધો ફાયદો પ્રતિસ્પર્ધી પક્ષોને મળી શકે છે.

