Panchmahal: નદીસરમાં કરોડોનું માટી ચોરી કૌભાંડ, GSTVના અહેવાલ બાદ તપાસનો ધમધમાટ શરુ થયો
ગોધરા તાલુકાના નદીસર ગામે ચાલી રહેલા કરોડો રૂપિયાની કિંમતના ગેરકાયદેસર માટી ચોરીના કૌભાંડનો મામલો સામે આવતા ખળભળાટ મચી ગયો છે. GSTV દ્વારા આ ગેરકાયદેસર પ્રવૃત્તિ અંગે અહેવાલ પ્રસારિત કરવામાં આવતા જ, ગોધરાના ખાણ ખનીજ વિભાગની ટીમો તુરંત દોડતી થઈ ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી.
ખનીજ વિભાગની ટીમે નદીસર ગામે પહોંચીને ૨૫થી વધુ સર્વે નંબરોમાં તપાસ હાથ ધરતા, આ ગેરકાયદેસર ખોદકામ અને માટીની ચોરીનું કદ કરોડો રૂપિયાનું હોવાની હકીકત સામે આવી છે. ખનીજ માફિયાઓ દ્વારા આટલા મોટા પાયે ગેરકાયદેસર ખોદકામ કરવામાં આવતું હતું. તપાસ દરમિયાન, ખનીજ વિભાગની ટીમોનો સ્થાનિક લોકોએ ઉધડો લીધો હતો. સાથે જ માટી કૌભાંડના મુખ્ય સૂત્રધાર રાજુ નામના ખનીજ માફીયા ને ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ છાવરતા હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. સ્થાનિકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો કે આ માટી ચોરી અંગે અવારનવાર રજૂઆતો કરવા છતાં વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી કેમ કરવામાં આવતી નહોતી.

