Video/ panchmahal માં SIR કામગીરીના માનસિક ત્રાસથી પ્રાથમિક શિક્ષકે આત્મહત્યાની ચિમકી ઉચ્ચારી!
પંચમહાલ જિલ્લામાં સ્ટેટિક ઈન્ફોર્મેશન રિલેશન (SIR)ની કામગીરીના અતિશય ભાર અને જવાબદાર અધિકારીઓના માનસિક ત્રાસથી કંટાળીને ગોધરાના એક પ્રાથમિક શિક્ષકે આત્મહત્યાની ચિમકી ઉચ્ચારતા શિક્ષણ જગતમાં અને જિલ્લાના વહીવટી તંત્રમાં ખળભળાટ મચી ગયો છે.
શિક્ષકનો વીડિયો વાયરલ: ત્રાસના આક્ષેપો
ગોધરાના શિક્ષક વિનુભાઈ બામણીયાએ તંત્રના જવાબદાર અધિકારીઓ માનસિક ત્રાસ આપી રહ્યા હોવાના ગંભીર આક્ષેપો સાથે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ કર્યો છે. વીડિયોમાં તેમણે સ્પષ્ટ જણાવ્યું છે કે SIR (એસઆઈઆર)ની કામગીરીના કારણે તેઓ માનસિક રીતે ત્રસ્ત થઈ ગયા છે, જેના પગલે તેમણે આત્મહત્યાની ચિમકી ઉચ્ચારી છે.
તેમણે જણાવ્યું હતું કે, શિક્ષકો મોડી રાત સુધી SIRની કામગીરી કરતા હોવા છતાં જવાબદાર તંત્રના અધિકારીઓ દ્વારા હેરાનગતિ કરવામાં આવે છે.
એક જવાબદાર શિક્ષક દ્વારા આ પ્રકારે વિડિયો વાયરલ કરી દેવાયા બાદ તંત્ર દ્વારા તાત્કાલિક શિક્ષક સાથે સમજાવટના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
ધારાસભ્ય સી.કે. રાઉલજીને રજૂઆત
માનસિક ત્રાસથી પીડિત શિક્ષક વિનુભાઈ બામણીયાએ આ મામલે ગોધરાના ધારાસભ્ય સી.કે. રાઉલજીને પણ રજૂઆત કરી હતી. આ અંગે ધારાસભ્ય સી.કે. રાઉલજીએ નિવેદન આપ્યું છે કે SIRની કામગીરી માટે બી.એલ.ઓ. (BLO) સાથે સહાયક બીએલઓની નિમણૂક તંત્ર દ્વારા કરવામાં આવી છે.
ધારાસભ્ય રાઉલજીએ વધુમાં જણાવ્યું હતું કે, એસઆઈઆરની કામગીરી માટે બી.એલ.ઓ.ની સાથે સરપંચો, નગરપાલિકાના સભ્યો તેમજ સૌ કાર્યકરો પણ સહાય માટે આવશે.
શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષકોને અન્ય વહીવટી કામગીરીમાંથી રાહત આપવા માટે ભૂતકાળમાં અનેક નિર્ણયો લેવાયા હોવા છતાં, આ પ્રકારની કામગીરીના ભાર અને માનસિક ત્રાસને કારણે આત્મહત્યાની ચિમકીનો બનાવ ગંભીર ચિંતાનો વિષય છે.

