Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : BLO workload becomes fatal? Three teachers die, one's health deteriorates;

BLOની કામગીરીનું ભારણ બન્યું જીવલેણ? ત્રણ શિક્ષકોના મોત, એકની તબિયત લથડી; રાજકારણ ગરમાયું

Timeછેલ્લું અપડેટ : 21 Nov 2025
લાઇવ ટીવીGoogle News
BLOની કામગીરીનું ભારણ બન્યું જીવલેણ? ત્રણ શિક્ષકોના મોત, એકની તબિયત લથડી; રાજકારણ ગરમાયું
સોર્સ : AI

ગુજરાતમાં મતદાર યાદી સુધારણા (SIR)ની કામગીરી (BLO)નો મુદ્દો હવે રાજ્યવ્યાપી ચિંતાનો વિષય બન્યો છે. છેલ્લા કેટલાક સમયમાં BLO તરીકે ફરજ બજાવતા શિક્ષકો પરના વધારાના કામના દબાણના કારણે જીવલેણ ઘટનાઓ બની હોવાના આક્ષેપો થયા છે. ખેડા, દાહોદ, ગીર સોમનાથ અને તાપી (વાલોડ)માં બનેલી ઘટનાઓએ સમગ્ર મામલે રાજકીય પક્ષોને પણ સરકાર સામે આક્રોશ વ્યક્ત કરવાની ફરજ પાડી છે.

App Store

ગુજરાતમાં મતદાર યાદી સુધારણા (SIR)ની કામગીરી (BLO - બૂથ લેવલ ઓફિસર) શિક્ષકો માટે હવે જીવલેણ બની રહી હોવાના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોમાં BLO તરીકે ફરજ બજાવતા ત્રણ  શિક્ષકોના મૃત્યુ થયા છે. એક શિક્ષકની તબિયત લથડી છે. ખેડા, તાપી, દાહોદ અને ગીર સોમનાથમાં બનેલી ઘટનાઓએ રાજ્યભરના શિક્ષક આલમમાં રોષ ફેલાવ્યો છે, અને વિપક્ષે આ મુદ્દે ભાજપ સરકાર પર સીધા પ્રહારો કર્યા છે.

કામના ભારણે લીધા ત્રણ જીવ
BLOની ફરજના બેવડા ભારણ અને સતત તણાવને કારણે આ દુઃખદ ઘટનાઓ બની હોવાનું પરિવારજનોનું કહેવું છે:

ખેડા (કપડવંજ): નવાપુરા પ્રાથમિક શાળાના આચાર્ય રમેશભાઈ પરમાર, જેઓ BLOની ફરજ પણ બજાવતા હતા, તેમનું હૃદયરોગના હુમલાથી નિધન થયું. પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે, રમેશભાઈ શાળામાંથી આવ્યા બાદ પણ તેમને મોડી રાત સુધી BLOની કામગીરી કરવી પડતી હતી, જેના કારણે તેઓ ડિપ્રેશનમાં રહેતા હતા. આ નિધનથી તેમના વતન જાંબુડી અને નવાપુરા ગામમાં શોકનું મોજું છવાયું છે.

તાપી (વાલોડ): વાલોડ તાલુકાના બેલ્ધા ગામના BLO સહાયક અને પ્રાથમિક શાળાના આચાર્ય કલ્પનાબેન પટેલ (અંદાજિત 56 વર્ષ)નું રાત્રિ દરમિયાન તબિયત લથડતાં બારડોલી ખાતે મૃત્યુ થયું. પ્રાથમિક અનુમાન મુજબ તેમનું મૃત્યુ હાર્ટ એટેકથી થયું છે. જોકે, આ મામલે મુખ્ય BLOએ જણાવ્યું હતું કે BLO સહાયકની કામગીરીમાં કલ્પનાબેનને કોઈ ટેન્શન ન હતું અને બેલધા ગામ SIRની કામગીરીમાં ગ્રીન ઝોનમાં છે, જે પરિવારના આક્ષેપોથી વિપરીત છે.

ગીર સોમનાથ/કોડીનાર : ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર ખાતે દેવળી ગામે રહેતા એક શિક્ષકે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. સુસાઇડ નોટમાં 'SIRની કામગીરીથી ત્રસ્ત' હોવાનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે. 
કોડીનાર પોલીસે સ્થળ પરથી મૃતક શિક્ષકે મોત પહેલા લખેલી સુસાઇડ નોટ કબજે કરી છે. આ સુસાઇડ નોટમાં સ્પષ્ટપણે 'SIRની કામગીરી' (મતદાર યાદી સુધારણા કામગીરી) ના કારણે પોતે ત્રસ્ત હોવાનો ઉલ્લેખ કર્યો છે.

શિક્ષકના પરિવારજનો અને શિક્ષક સંઘે આક્ષેપ કર્યો છે કે, શિક્ષક BLO (બૂથ લેવલ ઓફિસર) ની વધારાની કામગીરીને કારણે છેલ્લા કેટલાક સમયથી ગંભીર ડિપ્રેશનમાં હતા. 

શિક્ષક સંઘ દ્વારા કામગીરીનો બહિષ્કાર

આ ગંભીર ઘટના બાદ શિક્ષક સંઘે ઉગ્ર પગલું ભર્યું છે. શિક્ષકના આપઘાતને BLOની કામગીરીના ભારણનું પરિણામ ગણીને શિક્ષક સંઘે BLOની કામગીરીનો તાત્કાલિક બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે.

આ બહિષ્કાર માત્ર કોડીનાર પૂરતો સીમિત ન રહેતા, તેની અસર રાજ્યભરમાં દેખાશે. કોડીનાર પોલીસે આ મામલે સુસાઇડ નોટ અને પરિવારજનોના નિવેદનના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

દાહોદમાં ફરજ પર તબિયત લથડી

દાહોદની સાદેડા વર્ગ પ્રાથમિક શાળાના શિક્ષક અને BLO ડામોર બચુભાઈ પાર્સિંગભાઈની સ્કૂલમાં જ તબિયત અચાનક લથડી પડતાં તેઓ લથડી પડ્યા હતા. BLOની કામગીરીના દબાણના કારણે આ ઘટના બની હોવાનું માનવામાં આવે છે. તેમને તાત્કાલિક 108ની મદદથી રીધમ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

વિપક્ષના આકરા પ્રહારો: 'ચૂંટણી જીતવાની લ્હાયમાં લોકોના જીવ જઈ રહ્યા છે'

આ ઘટનાઓએ રાજકીય સ્વરૂપ ધારણ કર્યું છે. કોંગ્રેસ અને AAPના નેતાઓએ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે:

આમ આદમી પાર્ટી (AAP) નેતા ઈસુદાન ગઢવીના ગંભીર આક્ષેપો:

ઈસુદાન ગઢવીએ ભાજપ સરકાર પર સીધો આક્ષેપ કરતા કહ્યું કે, "ભાજપની ચૂંટણી જીતવાની લ્હાયમાં ત્રણ  BLO  એ જીવ ગુમાવ્યા છે." તેમણે દાવો કર્યો કે ભાજપ સ્થાનિક સ્વરાજની ચૂંટણી પાછી ઠેલાઈ હોવાથી SIRની કામગીરી જલ્દી પતાવવા માટે BLO પર દબાણ કરી રહી છે. 

ગઢવીએ સવાલ કર્યો કે, "પાંચ કરોડ મતદારોનું કામ BLO એક મહિનામાં કઈ રીતે પતાવી શકે?" અને આક્ષેપ કર્યો કે "ભાજપના નેતાઓના છોકરાઓ પ્રાઇવેટમાં ભણે છે અને ગરીબના દીકરાઓ ભણે છે ત્યાં આજે શિક્ષકો જ નથી."

તેમણે તમામ BLO અધિકારીઓને ખોટું પગલું ન ભરવા અપીલ કરી અને કહ્યું કે જો કોઈ અધિકારી દબાણ કરે તો AAPનો સંપર્ક કરવો.

કોંગ્રેસ નેતા ડૉ. હેમાંગ વસાવડા

ડૉ. હેમાંગ વસાવડાએ ગીર સોમનાથમાં BLOની આત્મહત્યાના કિસ્સાને યાદ કરીને કહ્યું કે કામગીરી માટે શિક્ષકો પર મોટું દબાણ છે. તેમણે આક્ષેપ કર્યો કે ફરજમાંથી મુક્ત થવા માંગતા કર્મચારીઓને પોલીસ ફરિયાદ, ધાકધમકી અને ધરપકડની ધમકી આપીને માનસિક ત્રાસ આપવામાં આવે છે. તેમણે પોલીસ પાસે ગીર સોમનાથની ઘટના માટે જવાબદાર કોણ છે, તેનો જવાબ માગ્યો.

શિક્ષણ કાર્ય પર પણ ગંભીર અસર

ખેડા જિલ્લા શિક્ષણ સંઘના મહામંત્રી વિષ્ણુકુમાર કે. પટેલ દ્વારા પણ શિક્ષકો પરના આ વધારાના કામના ભારણ અને તેના ગંભીર પરિણામો અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં એકતરફ શિક્ષકોની અછત છે, અને બીજી તરફ BLO સહિતની 90 પ્રકારની વધારાની કામગીરી સોંપવામાં આવતા શિક્ષણ કાર્ય પર પણ ગંભીર અસર પડી રહી છે.