Navratri 2025: પહેલા નોરતે યાત્રાધામ પાવાગઢમાં મહાકાળી માતાના દર્શને ભાવિકોનું ઘોડાપૂર ઉમટયું

Navratri 2025: આસો માસની નવરાત્રીનો પાવન પર્વ આજે 22 સપ્ટેમ્બરથી શરૂ થયો છે. પહેલા નોરતે પાવાગઢ ખાતે ભક્તોનો ભારે ધસારો જોવા મળ્યો છે. મહાકાળી માતાના દર્શન કરવા માટે આજે વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓની ભારે ભીડ ઉમટી હતી.
નવરાત્રીના પ્રારંભ સાથે જ પાવાગઢનું વાતાવરણ ભક્તિમય બની ગયું છે. આજે વહેલી સવારે માતાજીની આરતી અને પૂજા સાથે આસો નવરાત્રિનો પ્રારંભ થયો. જેમાં ગુજરાત, રાજસ્થાન, મધ્ય પ્રદેશ સહિત અન્ય રાજ્યોમાંથી હજારો ભક્તો જય માતાજી અને જય મહાકાળીના નાદ સાથે દર્શન કરવા ઉમટ્યાં છે.
નવરાત્રી દરમિયાન યાત્રાળુઓની ભીડને ધ્યાનમાં રાખીને મંદિર ટ્રસ્ટ અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જ્યારે ખાનગી વાહનો લઈ જવા પર પ્રતિબંધ હોવાને લઈ એસટી વિભાગ દ્વારા યાત્રાળુઓને તળેટીથી માચી લાવવા લઈ જવા માટે 50 જેટલી બસો દોડાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે.
આ સાથે ડુંગર પર ભક્તોની લાઈન અને અવરજવરનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. પોલીસ અને અન્ય સુરક્ષા એજન્સીઓ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

