MGVCL Raid: પંચમહાલના શહેરામાં વીજ કંપનીનો આકરો સપાટો, 131 જોડાણોમાંથી 24.64 લાખની વીજચોરી ઝડપાતા ફફડાટ

MGVCL Raid: પંચમહાલના શહેરા તાલુકાના વિવિધ ગામોમાં મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ (MGVCL)ની ટીમ દ્વારા વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. MGVCLની ટીમે શહેરાના અલગ-અલગ ગામડાંઓમાંથી 131 વીજ જોડાણોમાં કુલ 24.64 લાખની વીજ ચોરી ઝડપી પાડી છે. MGVCLએ વીજ ચોરી કરનાર સામે દંડ વસૂલવાની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
131 જોડાણમાં રૂ.24.64 લાખની વીજચોરી પકડાતા ફફડાટ
ગોધરા વર્તુળ કચેરીના અધિક્ષક ઈજનેરની સૂચના અને માર્ગદર્શન હેઠળ શહેરા સબ ડિવિઝન 1 અને 2ના પાનમ-2, મહેલાણ, ખોજલવાસા, બામરોલી, ઉંમરપુર, નાથુજીના મુવાડા અને ખોડિયાર ફીડરમાં આવતા વિવિધ ગામોમાં MGVCLની ટીમો દ્વારા પોલીસને સાથે રાખી 964 જેટલાં રહેણાંક મકાનો અને દુકાનોના વિજ જોડાણોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
વીજ ચેકિંગની કામગીરીમાં 131 જેટલાં વીજ જોડાણોમાં ચોરી જેવી અન્ય કેટલીક ગેરરીતિ સામે આવતા અંદાજિત રૂ.24.64 લાખની વીજ ચોરી પકડી પાડવામાં આવી હતી. વીજ ચોરી કરનાર ઈસમો પાસેથી MGVCL દ્વારા દંડ વસૂલવાની કાર્યવાહી કરવામાં આવી છે. MGVCLની આ કાર્યવાહીથી વીજ ચોરી કરનારા તત્ત્વોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

