VIDEO: Navsariમાં ભાજપનો વિજય ઉત્સવ; સી.આર. પાટીલે વિજેતા ઉમેદવારો પર કરી પુષ્પવર્ષા
દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ બિનહરીફ બેઠકો મેળવી ઐતિહાસિક ઓળખ ઊભી કરનાર નવસારી જિલ્લા ભાજપ દ્વારા ભવ્ય વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો હતો. નવસારી જિલ્લા પંચાયત, મહાનગરપાલિકા, 6 તાલુકા પંચાયતો અને નગરપાલિકામાં ભાજપના ભવ્ય વિજય બાદ આયોજિત કાર્યક્રમમાં સાંસદ સી.આર. પાટીલે વિજેતા ઉમેદવારો પર પુષ્પવર્ષા કરી તેમનું અભિવાદન કર્યું હતું. આ પ્રસંગે કાર્યકર્તાઓને સંબોધતા સી.આર. પાટીલે સ્પષ્ટ શબ્દોમાં શિસ્ત અને ધૈર્યનો પાઠ ભણાવતા જણાવ્યું હતું કે, પક્ષમાં ટિકિટ ન મળે તો નારાજ થવાને બદલે ધીરજ રાખવી જોઈએ, કારણ કે પક્ષ જ્યારે આપે છે ત્યારે 'છપ્પર ફાડીને' આપે છે. તેમણે પોતાના 20 વર્ષના સંઘર્ષનું ઉદાહરણ આપી ઉમેદવારોને અભિમાનથી દૂર રહેવા અને 'તીસ માર ખા' સમજવાની ભૂલ ન કરવા તાકીદ કરી હતી. વધુમાં તેમણે વિરોધ પક્ષની નબળી સ્થિતિ પર કટાક્ષ કરતા જણાવ્યું હતું કે, જેઓ પક્ષને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરે છે તેમને ઠેકાણે પાડવાની તાકાત પણ સંગઠન ધરાવે છે, માટે દરેક કાર્યકર્તાએ પક્ષ પ્રત્યે સમર્પિત રહીને કામ કરવું અનિવાર્ય છે.

