NAVSARI NEWS: કોંગી ‘ખાટલા બેઠક’ કે પછી BJPના ‘વિકાસના વાયરા’, અહીં કોણ જીતશે તે જોવું રસપ્રદ

દક્ષિણ ગુજરાતના રાજકારણનો પારો અત્યારે સાતમા આસમાને છે. ખાસ કરીને વાંસદા વિધાનસભા બેઠક પર હાલમાં જાણે ‘પ્રતિષ્ઠાનો જંગ’ ખેલાઈ રહ્યો છે. એક તરફ કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ પોતાનો અભેદ ગઢ બચાવવા ‘ખાટલા બેઠક’ કરી રહ્યા છે, તો બીજી તરફ ભાજપના સાંસદ ધવલ પટેલ ‘વિકાસના વાયરા’ સાથે કેસરીયો લહેરાવવા મેદાનમાં ઉતર્યા છે. સ્થાનિક સ્વરાજ્યની આ ચૂંટણીમાં શું કોંગ્રેસનો ગઢ ધરાશાયી થશે કે ભાજપના દાવા પોકળ સાબિત થશે?
ભાજપનું ‘ઓપરેશન વાંસદા’
દક્ષિણ ગુજરાતનું એવું પ્રવેશદ્વાર જ્યાં રાજકારણ હંમેશા ગરમાયેલું રહે છે. વર્ષોથી કોંગ્રેસનો આ વિસ્તારમાં દબદબો રહ્યો છે, પરંતુ આ વખતે ભાજપે અહીં ‘ઓપરેશન વાંસદા’ હાથ ધર્યું હોય તેમ લાગે છે. વલસાડ-ડાંગના સાંસદ ધવલ પટેલ પોતે કમાન સંભાળીને છેલ્લા 6 દિવસમાં 18 થી વધુ જનસભાઓ ગજવી ચૂક્યા છે. ભાજપનો દાવો છે કે કરોડોના ખર્ચે બની રહેલા નેશનલ હાઈવે અને દાયકાઓથી લટકતા બ્રીજના કામો પૂર્ણ કરીને તેમણે લોકોના દિલ જીતી લીધા છે.
કોંગ્રેસે અપનાવ્યું ‘માઈક્રો પ્લાનિંગ’
તો બીજી તરફ, આદિવાસીઓના ફાયરબ્રાન્ડ નેતા ગણાતા અનંત પટેલ ભાજપના આ ‘હવાઈ પ્રચાર’ સામે જમીની સ્તર પર લડત આપી રહ્યા છે. કોંગ્રેસે અહીં ‘માઈક્રો પ્લાનિંગ’ અપનાવ્યું છે. અનંત પટેલ મોટા સ્ટેજ છોડીને ગામડાઓમાં ‘ખાટલા બેઠક’ કરીને સ્થાનિક પ્રશ્નો જેમ કે પીવાનું પાણી, જર્જરિત શાળાઓ અને ભ્રષ્ટાચારને હથિયાર બનાવી રહ્યા છે. તેઓ દાવો કરી રહ્યા છે કે વાંસદાની જનતા ભાજપના લોભામણા વાયદાઓમાં આવવાની નથી.
જનતા માટે પાયાની સુવિધાઓ મેળવવાની આખરી આશા
નેતાઓના દાવાઓ અને વળતા પ્રહાર વચ્ચે વાસ્તવિકતા કંઈક અલગ પણ છે. આદિવાસી પટ્ટાના અંતરિયાળ ગામોમાં આજે પણ પાકા રસ્તા અને શુદ્ધ પાણીની શોધમાં લોકો ભટકી રહ્યા છે. નેતાઓ માટે આ પ્રતિષ્ઠાનો જંગ છે, પણ જનતા માટે આ પાયાની સુવિધાઓ મેળવવાની આખરી આશા. 26મી એપ્રિલે થનાર મતદાનમાં જનતા કોના પર ભરોસો મુકશે તે જોવું રસપ્રદ રહેશે.

