Navsari: અનંત પટેલનું જીગ્નેશ મેવાણીને સમર્થન; દારૂ-જુગારના પૈસા લેશો તો પટ્ટા ઉતારતા વાર નહીં લાગે
નવસારીમાંમાં કાવેરી સુગર મિલના ખેડૂતોની આક્રોશ સભામાં કોંગ્રેસના ધારાસભ્ય અને આદિવાસી નેતા અનંત પટેલે ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને ખુલ્લું સમર્થન આપીને એક મોટો રાજકીય પડકાર ફેંક્યો છે.તાજેતરમાં જીગ્નેશ મેવાણી દ્વારા પોલીસ પર કરાયેલા નિવેદનના સમર્થનમાં અનંત પટેલે પણ પોલીસને સીધી ચેતવણી આપી હતી.
અનંત પટેલે સ્પષ્ટપણે કહ્યું હતું કે, જીગ્નેશ મેવાણીએ પોલીસનું સાચું કહેવા લાગ્યા એટલે એના ઉપર તૂટી પડ્યા. હું કહું છું કે અનંત પટેલ અને કોંગ્રેસ સમિતિ જીગ્નેશ મેવાણી સાથે છે. આ સભામાંથી જ તેમણે પોલીસને ચેતવણી આપતા જણાવ્યું હતું કે,સારા કામ નહીં કરો, દારૂવાળાના પૈસા લેવાના હોય, ચકલી પોપલીવાળાના પૈસા લેવાના હોય, ડ્રગ્સ જુગારવાળાના પૈસા લેવાના હોય, તો સમજી જજો તમારા પટ્ટા ઉતારતા વાર નહીં લાગે. જીગ્નેશભાઈ એકલા નથી. એમની સાથે સમગ્ર આદિવાસી સમાજ છે. તેમણે મેવાણીની તાકાતનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, જીગ્નેશભાઈને હલાવી શકવાના નથી. એકવાર આસામની સરકાર લઈ ગઈ, પણ પાછી મુકી ગઈ એટલી તાકાત છે. અમારી સરકાર 2027 માં આવવાની છે.
કાવેરી સુગર મિલના ખેડૂતોની સમસ્યાઓને લઈને બોલાવવામાં આવેલી આ આક્રોશ સભા હવે રાજકીય અખાડામાં પરિવર્તિત થઈ ગઈ છે, જ્યાં કોંગ્રેસના બે મોટા નેતાઓ દ્વારા પોલીસ અને શાસક પક્ષ પર આકરા પ્રહારો કરવામાં આવ્યા છે.

