Navsari news: આર્મી જવાનની ખોટી ઓળખ આપી હથિયારનો પરવાનો મેળવનાર ઝડપાયો, પત્ની ભાજપ મહિલા મોરચાની ઉપપ્રમુખ

નવસારી SOG ટીમે આર્મી જવાનની ખોટી ઓળખ ઉભી કરી હથિયારનો પરવાનો મેળવનાર એક શખ્સને ઝડપી પાડ્યો છે. ખેરગામના ઘેજ ગામેથી ઝડપાયેલા આરોપી પાસેથી એક લોડેડ રિવોલ્વર, જીવતા કારતૂસ અને આર્મીના નકલી ઓળખપત્રો કબજે કરવામાં આવ્યા છે. આ ઘટનાથી જિલ્લામાં ચકચાર મચી ગઈ છે. પકડાયેલા આરોપીની પત્ની સરસ્વતી સોલંકી નવસારી જિલ્લા ભાજપના મહિલા મોરચામાં ઉપપ્રમુખ છે, સમગ્ર ઘટના બાદ જિલ્લા ભાજપ શું મહિલા મોરચા ના સભ્ય સામે પગલાં લેશે કે કેમ તે અંગે પ્રશ્નાર્થ ઉભો થયો છે.
કમાન્ડિંગ ઓફિસરની ખોટા સહી અને સિક્કાનો ઉપયોગ કર્યો
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીએ 15 રાજપૂત રેજીમેન્ટનું નકલી આઈકાર્ડ બનાવ્યું હતું. તેણે આર્મીના બોગસ દસ્તાવેજો ઉભા કરી, કમાન્ડિંગ ઓફિસરની ખોટી સહી અને સિક્કાનો ઉપયોગ કર્યો હતો. આ નકલી દસ્તાવેજોના આધારે તેણે જમ્મુ-કાશ્મીરના ડોડા ખાતેથી હથિયારનું લાયસન્સ મેળવ્યું હતું અને ત્યારબાદ કાનપુરથી રિવોલ્વરની ખરીદી કરી હતી.
બાતમીના આધારે 11 ઓક્ટોબર, 2025ના રોજ આરોપીના ઘેજ ગામ સ્થિત ઘરે રેડ કરવામાં આવી હતી. પકડાયેલા આરોપીનું નામ ઘનશ્યામભાઈ રમણભાઈ સોલંકી છે, જે ખેરગામના ઘેજ ગામ, વાણંદ ફળિયાનો રહેવાસી છે. તેની પત્ની સરસ્વતી સોલંકી નવસારી જિલ્લા ભાજપ મહિલા મોરચામાં ઉપપ્રમુખ તરીકે કાર્યરત છે.
એક શખ્સ વોન્ટેડ
આ મામલે ખેરગામ પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કેસમાં નરેન્દ્રસિંહ નામનો એક શખ્સ પણ વોન્ટેડ છે.

