'અમે નક્સલવાદી કે આતંકવાદી નથી!' સાગબારાના જમીન વિવાદ વચ્ચે સાંસદ મનસુખ વસાવાએ અચાનક કેમ ધડાકો કર્યો?

નર્મદા અને આસપાસના આદિવાસી વિસ્તારોમાં જંગલ જમીન અને વર્ષો જૂના ખેડાણના મુદ્દે ભાજપના વરિષ્ઠ સાંસદ મનસુખ વસાવાએ પોતાના જ વહીવટી તંત્ર અને વન વિભાગ સામે ખુલ્લો મોરચો માંડ્યો છે. સાગબારા અને ઉમરપાડા વિસ્તારના ખેડૂતોના સમર્થનમાં મેદાને આવેલા સાંસદે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, તેમની લડાઈ સરકાર સામે નહીં, પરંતુ અધિકારીઓની ભ્રષ્ટ માનસિકતા સામે છે. સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું કે, 'સાગબારા કે નાલ-ખોપીના લોકો નક્સલવાદી કે આતંકવાદી નથી, ન તો તેમણે કોઈ ઘૂસણખોરી કરી છે. આ વર્ષો જૂનું ખેડાણ છે, અને કોઈની જમીન છીનવી લેવાનો કાર્યક્રમ નથી.'
વન વિભાગ પર ગંભીર આક્ષેપ
મનસુખ વસાવાએ વન વિભાગના ગાંધીનગર સ્થિત IFS અધિકારીઓ અને DFO પર ગંભીર આક્ષેપો કરતાં કહ્યું કે, તેઓ અંગ્રેજોની 'ભાગલા પાડો અને રાજ કરો નીતિ' અપનાવીને આદિવાસીઓને એકબીજા સામે લડાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે દાવો કર્યો કે, ફોરેસ્ટ વિભાગનો ઈરાદો આશરે 400થી 500 એકર જમીન લોકોને છોડાવીને કરોડો રૂપિયાનું વૃક્ષારોપણ બતાવી મોટું કૌભાંડ કરવાનો છે. તેમણે એવો પણ આક્ષેપ કર્યો કે, માંડવી વિસ્તારમાં જંગલો ન હોવા છતાં અગાઉ અધિકારીઓના કારણે જ જંગલો કપાઈ ગયા હતા.
'હું સરકાર વિરોધી નથી':મનસુખ વસાવા
સાંસદે જણાવ્યું કે, તેઓ સરકાર કે ભાજપના વિરોધી નથી. તેમણે કહ્યું કે, 'ભાજપને ઊભું કરવામાં મેં સૌથી વધુ પરસેવો પાડ્યો છે. પરંતુ જ્યારે આદિવાસીઓના હકો છીનવાય ત્યારે જનપ્રતિનિધિઓએ મૌન ન રહેવું જોઈએ.' તેમણે એવો પણ દાવો કર્યો કે, ફોરેસ્ટ વિભાગના કેટલાક અધિકારીઓ ઉશ્કેરણીજનક વર્તન કરી રહ્યા છે, અને ગયા અઠવાડિયે બનેલી ઘટનામાં તેમની જગ્યાએ કોઈ બીજો હોત તો પરિસ્થિતિ વધુ ઉગ્ર બની શકતી હતી.
મુખ્યમંત્રી સમક્ષ ન્યાયની માંગ
મનસુખ વસાવાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને અપીલ કરી કે, જેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યકાળ દરમિયાન આદિવાસીઓને જંગલ જમીનના હક્ક મળ્યા હતા, તેવી જ રીતે સાગબારા વિસ્તારના લોકોને પણ ન્યાય અપાવવામાં આવે.
અહિંસક આંદોલનનું આહ્વાન
આંદોલનની રણનીતિ સ્પષ્ટ કરતાં સાંસદે આદિવાસીઓને અહિંસાના માર્ગે રહેવાની અપીલ કરી. તેમણે જણાવ્યું કે, ખેડૂતોએ પોતાના ખેતરમાં ખેડાણ કરવા જવું જોઈએ, અને જો વન વિભાગના અધિકારીઓ રોકે તો શાંતિપૂર્ણ રીતે ધરપકડ વહોરી લેવી જોઈએ.
મનસુખ વસાવાના આક્રમક નિવેદનો બાદ નર્મદા સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ બની છે. આ મુદ્દે સ્થાનિક આદિવાસી ખેડૂત બુધા વસાવા, આપના નેતા દયારામ વસાવા, નાંદોદના ધારાસભ્ય ડો. દર્શના દેશમુખ સહિત વિવિધ પક્ષોના પ્રતિનિધિઓએ પણ પોતાના અભિપ્રાયો વ્યક્ત કર્યા છે.

