ગુજરાતના પ્રવાસે PM મોદી: દેવમોગરા મંદિરમાં કરી પૂજા, ડેડિયાપાડા પહોંચી ગયા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતમાં છે. તેઓ 31 ઓક્ટોબરે કેવડિયા ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતીની ઉજવણીમાં હાજર રહ્યા હતા. પછી આજે ફરી તેઓ રાજ્યના આદિવાસી પટ્ટાનો પ્રવાસ કરી રહ્યા છે.
વડાપ્રધાને સાગબારામાં દેવમોગરા માતાના કર્યા દર્શન
વડાપ્રધાન મોદી સુરતથી નર્મદા જિલ્લાના ડેડિયાપાડા પહોંચી ગયા છે. અહીં તેમણે પૌરાણિક દેવમોગરા મંદિરમાં માતાની પૂજા કરી હતી. ગુજરાત, મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોના આદિવાસી સમુદાયો દ્વારા દેવમોગરા પાંડોરી માતાની કુળદેવી તરીકે પૂજા કરવામાં આવે છે.
દેવમોગરા માતાના મંદિરની વિશેષતા
નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં, સાતપુડાની ગિરિમાળાઓની હરિયાળી ગોદમાં એક એવું પૌરાણિક ધામ આવેલું છે, જે કરોડો આદિજાતિ સમાજના લોકોની આસ્થા, શ્રદ્ધા અને સંસ્કૃતિનું જીવંત પ્રતીક છે. એ છે યાહા મોગી માતા દેવમોગરા ધામ. કુદરતી સૌંદર્ય વચ્ચે બિરાજમાન આ ધામનો મહિમા અનેરો છે અને તેનો ભવ્ય ઇતિહાસ દરેક ભક્તને અલૌકિક શાંતિનો અનુભવ કરાવે છે.
મંદિરનો પૌરાણિક ઇતિહાસ: 'કણી-કંસરી' માતાની અન્નપૂર્ણા ગાથા
દેવમોગરા ધામ ખાતે આદિજાતિ સમાજના કુળદેવી પાંડોરી માતા (યાહમોગી) સ્વયં બિરાજમાન છે. મંદિરનું બાહ્ય સ્વરૂપ નેપાળના પ્રસિદ્ધ પશુપતિનાથ મંદિર જેવું ભવ્ય દેખાય છે. સ્થાનિક માન્યતાઓ અનુસાર, હજારો વર્ષો પૂર્વે જ્યારે આ પ્રદેશમાં ભયંકર દુષ્કાળ પડ્યો હતો, ત્યારે સમગ્ર માનવજાત અને પશુ-પક્ષીઓ ભૂખ અને તરસથી પીડાઈ રહ્યા હતા. આવા સંકટના સમયે, પ્રજા પાલક ગોર્યા કોઠારએ અન્નનું વિતરણ શરૂ કર્યું. જોકે, સમય જતાં તેમના અન્ન ભંડાર પણ ખાલી થવા લાગ્યા.
સુરત એરપોર્ટ પર સ્વાગત અને બુલેટ ટ્રેનની સમીક્ષા
આજે સવારે વડાપ્રધાન મોદીનું સુરત એરપોર્ટ ખાતે આગમન થયું હતું, જ્યાં સ્થાનિક નેતાઓ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સુરતના આંત્રોલી ખાતે નિર્માણ પામી રહેલા બુલેટ ટ્રેન સ્ટેશનની મુલાકાત બાદ મોદી ડેડિયાપાડા પહોંચ્યા છે. અહીં 2 કિલોમીટર લાંબા રોડ-શોનું આયોજન કરાયું છે. બિહારમાં NDAની જીત બાદ વડાપ્રધાનની આ પ્રથમ ગુજરાત મુલાકાત છે.
નર્મદામાં આદિવાસી ગૌરવ દિવસની ઉજવણી
સુરત ખાતેના કાર્યક્રમ બાદ વડાપ્રધાન નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ખાતે પહોંચ્યા છે. અહીં તેઓ 'આદિવાસી ગૌરવ દિવસ' અને ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતીની ઉજવણીમાં સહભાગી થયા છે. તેઓએ પ્રથમ આદિવાસીઓના આસ્થાના કેન્દ્ર દેવ મોગરા મંદિરે દર્શન કરી પૂજા-અર્ચના કરી. ત્યારબાદ તેઓ ડેડિયાપાડા ખાતે એક જંગી સભાને સંબોધિત કરશે.
7900 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સની ભેટ
ડેડિયાપાડા ખાતે આયોજિત આ સભામાં વડાપ્રધાન મોદી રૂ.7900 કરોડથી વધુના વિવિધ વિકાસ કાર્યોનો શિલાન્યાસ કરશે. લગભગ ચાર વાગ્યા બાદ વડાપ્રધાન સભા સ્થળેથી હેલિપેડ જવા રવાના થશે. ત્યાંથી તેઓ સુરત એરપોર્ટ પહોંચશે અને સાંજે 5:00 વાગ્યે સુરત એરપોર્ટથી દિલ્હી જવા પ્રસ્થાન કરશે. વડાપ્રધાન એક દિવસીય પ્રવાસ માટે ગુજરાત આવ્યા છે.

