નર્મદા: જિલ્લા કક્ષાની સંકલન તથા ફરિયાદ નિવારણ બેઠકમાં ચૈતર વસાવાની હાજરી, કરી વિવિધ માગ-રજૂઆત
નર્મદા જિલ્લા કક્ષાની સંકલન તથા ફરિયાદ નિવારણ બેઠકમાં AAP ધારાસભ્ય ચૈતર વસાવાએ હાજરી આપી હતી. જેમાં ચૈતર વસાવાએ જણાવ્યું હતુ કે, મનરેગા યોજનામાં રોજગારી સત્વરે શરૂ કરવામાં આવે એ બાબતે રજૂઆત કરી છે. કરજણ નદી પરના બંધ પુલ પર જતા વાહનો માટે એંગલો હટાવીને 20 ટન સુધીના મોટા વાહનો માટે વાહન વ્યવહારની સુવિધા શરૂ કરવામાં આવે તે અંગે રજુઆત કરી છે.
તેમણે કહ્યું કે, સાપુતારાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીના ગ્રીન કોરીડોર માટે 14 ગ્રામસભા દ્વારા બેઠકમાં તારીખ 16,17,18ના રોજ અસહમતી દર્શાવી હતી, તો આ પ્રોજેક્ટ રદ્દ કરવામાં આવે. પ્રોજેક્ટ રદ્દ નથી થયો તો જંગલ જમીનના, રેવન્યુ જમીનના તથા ઘરના, જમીનના, બોરના તથા જમીનના શું વળતર આપવામાં આવે છે, તેની માહિતી લોકો સમક્ષ રજૂ કરવામાં આવે.
જણાવ્યું કે, અંકલેશ્વર એકતાનગરનો હાઈ સ્પીડ કોરિડોર બની રહ્યો છે, તેમાં 15 ગામોની જમીન સંપાદિત થવાની છે તો તેનો ડીપીઆર પ્લાન ગામના લોકોને આપવામાં આવે. ડીપીઆર પ્લાનમાં ઘર, બોર, ઝાડ, જમીન સહિત તમામ વસ્તુઓનું શું વળતર આપવામાં આવશે, એ મુદ્દે અમે જાણકારી માંગી છે.
તેમણે કહ્યું કે, રિસરફેસિંગ માટે FCAની પરવાનગી નથી જોઈતી, છતાં વન વિભાગ મનમાની કરી રોડ રસ્તાના કામ બંધ કરાવે છે, તે કામો તાત્કાલિક ફરી શરૂ કરવામાં આવે. ડેડીયાપાડા તાલુકામાં ફુલસરથી દુથાર, ગાદળાથી ખામ એપ્રોચ રોડ, મોસીટ અપ્રોચ રોડ પર વન વિભાગ દ્વારા અટકાવેલો રિસર્ફેસિંગનું કામ તાત્કાલિક શરૂ કરવામાં આવે.
વસાવા બોલ્યા કે, ગુજરાત પેટર્ન સહિત બીજા આયોજનમાં લોકોની જે ડિમાન્ડ હોય, એ પ્રકારના આયોજન થાય અને એવા જ કામો મંજૂર થાય એ મુદ્દે રજૂઆત કરી. કેવડિયામાં અને ડેડીયાપાડામાં પ્રધાનમંત્રીના કાર્યક્રમોના ખર્ચ વિશે માહિતી માંગી હતી, કલેકટરે 30 તારીખ સુધી માહિતી આપવાની બાંહેધરી આપી છે.
વધુમાં કહ્યું કે, ગરુડેશ્વરમાં કેટલાક અધિકારીઓને પ્લોટ આપ્યા હતા, ત્યાં અધિકારીઓ મકાન બાંધીને હોમ સ્ટે ચલાવે છે અને કેટલાક અધિકારીઓ શરત ભંગ કરી રહ્યા છે , ત્યારે અમારી માંગ પ્રમાણે આ મુદ્દે સ્થળ પર સ્થિતિની તપાસ કરવામાં આવે.
ગરુડેશ્વરમાં જે અધિકારીઓએ શરત ભંગ કરી હોય એમની જમીન ફરીથી મૂળ માલિકોને પરત કરવામાં આવે એવી માંગ કરી ચૈતર વસાવાએ કરી છે. તેમણે કહ્યું કે, વન અધિકાર અધિનિયમ અંતર્ગત 5360 દાવાઓ પેન્ડિંગ છે, તે તાત્કાલિક મંજુર કરવામાં આવે. મારા ડેડીયાપાડા મતવિસ્તારમાં PM પોષણ યોજના અંતર્ગત સેન્ટ્રલાઈઝ કિચનની પરમિશન મળી છે, તે રદ્દ કરવા રજૂઆત કરી છે.

