Narmada: 'ભણશે ગુજરાત'ના દાવા પોકળ, સ્ટેચ્યુ ઑફ યુનિટી નજીક આવેલ આશ્રમ શાળાની દયનીય દશા
દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઑફ યુનિટી માટે જાણીતા નર્મદા જિલ્લામાં, એક સમયે આદિવાસી વિદ્યાર્થીઓ માટે આશાનું કિરણ ગણાતી આશ્રમ શાળાની વર્તમાન સ્થિતિએ સરકારના 'ભણશે ગુજરાત' અને 'બેટી બચાવો, બેટી પઢાઓ'ના દાવાઓ પર ગંભીર સવાલો ઊભા કર્યા છે.
નર્મદા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રણજીત તડવીએ ગરૂડેશ્વર તાલુકાના ઝરીયા ગામે આવેલ રામાધામ આશ્રમ શાળા (સ્થાપના: 1958) માં મળતી સુવિધાઓને લઈને સત્તાવાર રીતે અવાજ ઉઠાવ્યો છે.
આશ્રમ શાળાની દયનીય પરિસ્થિતિ
રામાધામ આશ્રમ શાળા, જેનું સંચાલન ભરૂચ જિલ્લા આદિવાસી સેવા સંઘ, રાજપીપળા દ્વારા કરવામાં આવે છે, તેનો વહીવટ છેલ્લા ઘણા વર્ષોથી ખાડે ગયો હોય તેમ લાગી રહ્યું છે. કુમાર અને કન્યા છાત્રાલયની હાલત અત્યંત ખરાબ છે.
આશ્રમ શાળામાં છોકરા-છોકરીઓ માટે જમવાની, નાસ્તાની કે રહેવાની પૂરતી સુવિધાઓ ઉપલબ્ધ નથી. કન્યા છાત્રાલયના આખા હૉલમાં માત્ર એક જ પંખો કાર્યરત છે. ટૉયલેટ, બાથરૂમ અને રસોડાની હાલત અત્યંત ખરાબ છે.
જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રણજીત તડવીએ સવાલ ઉઠાવ્યો કે, "શું આદિવાસી વિસ્તારના વિદ્યાર્થીઓને આવી સુવિધાઓ મળે છે? આ પરિસ્થિતિમાં 'ભણશે ગુજરાત'ની મોટી મોટી વાતો કરતી સરકારને આદિવાસી વિસ્તારની આ દયનીય હાલત કેમ નથી દેખાતી?"
દાન આપનાર પરિવારોએ પણ ઉઠાવ્યા સવાલ
આશ્રમ શાળાની આ દુર્દશા પર માત્ર રાજકીય નેતાઓ જ નહીં, પરંતુ જે પરિવારે વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે જમીન દાન કરી હતી, તેમણે પણ સવાલો ઉઠાવ્યા છે. ઝરીયાના સરપંચ સતિષભાઈ તડવી અને આશ્રમ માટે પોતાની 25 એકર જેટલી જમીન દાનમાં આપનાર રામા પ્રભુના વારસદારોએ પણ આશ્રમની દુર્દશા પર રોષ વ્યક્ત કર્યો છે.
આદિવાસીઓના વિકાસની મોટી વાતો કરતી સરકારને આદિવાસી વિસ્તારની આશ્રમશાળાઓની ખરેખર કેવી હાલત છે, તેના પર એક નજર કરવાની તાતી જરૂરિયાત છે.

