VIDEO: Narmada / દેડિયાપાડામાં જળ સંકટ, તરાવ નદી સુકાતા બોગજ સહિતના ગામોમાં સિંચાઈ માટે પાણીનો અભાવ
નર્મદા જિલ્લાના અંતરિયાળ ગણાતા દેડિયાપાડા તાલુકાના પૂર્વ પટ્ટી વિસ્તારમાં અત્યારે કુદરતનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. આ વિસ્તારની મહત્વની ગણાતી તરાવ નદી બોગજ (કોલીવાડા) ગામ પાસે વહેતી બંધ થઈ ગઈ છે અને સંપૂર્ણપણે સુકાઈ ગઈ છે. નદીના તળ દેખાઈ જતાં આસપાસના અનેક ગામોમાં ઉનાળુ પાક અને પીવાના પાણી માટે હાહાકાર મચી ગયો છે.
તરાવ નદીના કિનારે આવેલા બોગજ-કોલીવાડા, સાકવા અને ઝાડોલી સહિતના ગામોના ખેડૂતો મોટાભાગે નદીના પાણી પર નિર્ભર છે. ચાલુ વર્ષે નદી વહેલી સુકાઈ જતાં ઉનાળુ પાક જેવા કે લીલા મગ, ઉનાળું મકાઈ અને લીલા શાકભાજીના વાવેતરને બચાવવું ખેડૂતો માટે મુશ્કેલ બન્યું છે. સિંચાઈના પાણીના અભાવે તૈયાર થયેલો પાક સુકાઈ રહ્યો છે, જેના કારણે ખેડૂતોની આર્થિક સ્થિતિ દયનીય બની છે. નદી સુકાઈ જવાની સીધી અસર ભૂગર્ભ જળસ્તર પર પણ પડી છે. આ વિસ્તારમાં આવેલા કુવાઓ, બોર અને હેન્ડપંપોમાં પાણીના સ્તર નોંધપાત્ર રીતે નીચે ઉતરી ગયા છે.

