Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / નર્મદા : ending of BJP's high-profile controversy, threats of resignation and agitation withdrawn

Narmada ભાજપના હાઈપ્રોફાઈલ વિવાદનો અંત, રાજીનામા અને આંદોલનની ચીમકીઓ પાછી ખેંચાઈ

Timeછેલ્લું અપડેટ : 20 Jun 2026
લાઇવ ટીવીGoogle News
Narmada ભાજપના હાઈપ્રોફાઈલ વિવાદનો અંત, રાજીનામા અને આંદોલનની ચીમકીઓ પાછી ખેંચાઈ
સોર્સ : GSTV

નર્મદા જિલ્લા ભાજપમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલા આંતરિક જૂથવાદ અને હાઈપ્રોફાઈલ ડ્રામાનો આખરે ગાંધીનગર પ્રદેશ કાર્યાલય ખાતે સુખદ અંત આવ્યો છે. નાંદોદ વિધાનસભા બેઠકના મહિલા ધારાસભ્ય ડૉ. દર્શનાબહેન દેશમુખના કથિત અપમાન અને સાંસદ મનસુખ વસાવાની આક્રમક રજૂઆતો બાદ પ્રદેશ નેતૃત્વએ દરમિયાનગીરી કરવી પડી હતી. પ્રદેશ મોવડીમંડળ સાથેની બેઠક બાદ બંને નેતાઓએ વિવાદ થાળે પાડ્યો હોવાની જાહેરાત કરી છે.

App Store

શું હતો સમગ્ર વિવાદ?

મળતી માહિતી અનુસાર,  વડાપ્રધાનના સુશાસનના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે 15મી જૂનના રોજ રાજપીપળા ખાતે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન નાંદોદના ધારાસભ્ય ડૉ. દર્શનાબહેન દેશમુખનું અપમાન થયું હોવાનો આક્ષેપ થયો હતો. આ ઘટનાના વિરોધમાં ધારાસભ્યએ ધરણાં પણ કર્યા હતા. વિવાદ એટલો વકર્યો હતો કે ધારાસભ્યના સમર્થકો અને સાંસદ મનસુખ વસાવા દ્વારા નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખના રાજીનામાની માંગ બુલંદ કરવામાં આવી હતી. આ આંતરિક લડાઈ ઉગ્ર આંદોલન અને રાજીનામાના દોર સુધી પહોંચે તેવી સ્થિતિ સર્જાતા પ્રદેશ હાઈકમાન્ડ એક્શનમાં આવ્યું હતું.

ગાંધીનગરમાં કમલમ ખાતે યોજાઈ બેઠક

સમગ્ર મામલો વણસતાં બે દિવસ પહેલાં પ્રદેશ કાર્યાલય તરફથી નર્મદા જિલ્લાના આગેવાનોને ગાંધીનગરનું તેડું મોકલવામાં આવ્યું હતું. જેના પગલે નાંદોદના ધારાસભ્ય ડૉ. દર્શનાબહેન દેશમુખ, સાંસદ મનસુખ વસાવા સહિત જિલ્લા ભાજપના પદાધિકારીઓ અને સ્થાનિક કાર્યકરો ગાંધીનગર પ્રદેશ કાર્યાલય ખાતે પહોંચ્યા હતા, જ્યાં વરિષ્ઠ નેતાઓની હાજરીમાં બંધ બારણે બેઠક યોજાઈ હતી.

બેઠક પૂર્ણ થયા બાદ સાંસદ મનસુખ વસાવાએ મીડિયા સમક્ષ આંતરિક મતભેદો દૂર થયા હોવાની પુષ્ટિ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, 'અમે અમારી તમામ વાતો અને પ્રશ્નો પ્રદેશ નેતૃત્વ સમક્ષ પુરાવા સાથે મૂક્યા છે. ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રીય વિચારધારાવાળી અને એક પરિવારની પાર્ટી છે. પરિવારમાં નાના-મોટા મતભેદો થાય, પણ વડીલો હંમેશા તેનો યોગ્ય રસ્તો કાઢતા હોય છે. પ્રદેશ મોવડીમંડળે અમને યોગ્ય માર્ગદર્શન આપ્યું છે. જો પાર્ટી મજબૂત હશે તો જ પ્રજાના સારા કામો થશે. આવનારી ચૂંટણીઓ અમારે જીતવાની છે. અંદરોઅંદર લડવાથી જનતામાં ખોટો મેસેજ જાય છે અને તેનાથી સ્થાનિક કાર્યકરો તથા પક્ષને મોટું નુકસાન થાય છે.'

નર્મદાના વિકાસ માટે સંગઠિત થવાનો સંકલ્પ

ભાજપ સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે, 'નર્મદા જિલ્લો પછાત જિલ્લો છે, તેથી તેના સર્વાંગી વિકાસ માટે પણ આપણે બધાએ સંગઠિત થવું પડશે. પ્રદેશે અમને ખૂબ જ સારી ભાવનાથી સાંભળ્યા છે. હવે એકબીજાનો વાંક કાઢવાને બદલે અમે સાથે મળીને પક્ષ માટે કામ કરવાનું નક્કી કર્યું છે. હવે સંગઠનમાં કોઈ મતભેદ નથી.'

સોશિયલ મીડિયા પર 'એલફેલ' પોસ્ટ ન મૂકવા કડક અપીલ

આ બેઠક બાદ નેતાઓએ પોતાના સમર્થકો અને કાર્યકરોને પણ શાંતિ જાળવવા અપીલ કરી છે. નેતાઓની નીચે કામ કરતા કેટલાક માણસો સોશિયલ મીડિયામાં કોઈ એક વ્યક્તિને મોટી કરવા માટે અન્ય વિરુદ્ધ ખોટી કે એલફેલ પોસ્ટ મૂકતા હોય છે, જે બંધ કરવા સૂચના અપાઈ છે. પક્ષના હિતમાં સોશિયલ મીડિયા પર માત્ર પોઝિટિવ પોસ્ટ જ મૂકવા માટે કાર્યકરોને તાકીદ કરવામાં આવી છે.

રાજીનામા અને આંદોલનના મુદ્દા પડતા મૂકાયા

પ્રદેશ નેતૃત્વની સફળ મધ્યસ્થી બાદ હવે જિલ્લા ભાજપ પ્રમુખના રાજીનામાની માંગ, ધારાસભ્યના રાજીનામાની ચીમકી અને ઉગ્ર આંદોલનના તમામ કાર્યક્રમો પડતા મૂકવામાં આવ્યા છે. આગામી દિવસોમાં તમામ નેતાઓ અને કાર્યકરો એક થઈને કામ કરશે તેવો દાવો પક્ષ દ્વારા કરવામાં આવ્યો છે.