VIDEO: Narmada / રાજપીપળા સંકલન બેઠક; પક્ષભેદ ભૂલી ભાજપ-આપના નેતાઓ અધિકારીઓ પર વરસ્યા, લોકપ્રશ્નો મુદ્દે કરી ઉગ્ર રજૂઆત
રાજપીપળા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે નવનિયુક્ત કલેક્ટર ગંગા સિંગના અધ્યક્ષસ્થાને પ્રથમ સંકલન બેઠક યોજાઈ હતી, જેમાં ભરૂચના સાંસદ મનસુખ વસાવા, ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને નાંદોદના ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખની ઉપસ્થિતિમાં લોકપ્રશ્નો મુદ્દે મામલો ગરમાયો હતો. બેઠકમાં પક્ષભેદ ભૂલી ભાજપ અને આમ આદમી પાર્ટીના નેતાઓ જનતાના પડતર પ્રશ્નો મુદ્દે અધિકારીઓ પર વરસ્યા હતા. ધારાસભ્ય ચૈતર વસાવાએ ઉનાળાની કાળઝાળ ગરમીમાં પીવાના પાણીની વિકટ સમસ્યા અને લાંબા સમયથી બંધ જૂના રાજના રસ્તા અંગે અધિકારીઓ પાસે જવાબ માંગ્યો હતો. જ્યારે ડેડિયાપાડાથી બોગજ રસ્તાનું કામ વન વિભાગે અટકાવતા સાંસદ મનસુખ વસાવા ભારે રોષે ભરાયા હતા. આ બેઠકમાં નેતાઓએ રોડ-રસ્તા અને પાણી જેવા લોકઉપયોગી કામોમાં નડતરરૂપ બનતા અધિકારીઓ સામે ઉગ્ર રજૂઆતો કરી વહેલી તકે નિકાલ લાવવા તાકીદ કરી હતી.

