VIDEO: Narmada / વિકાસની વરવી વાસ્તવિકતા: આઝાદીના દાયકાઓ બાદ પણ અરેઠી ગામનું આંબા ફળિયું પાયાની સુવિધાઓથી વંચિત
ગુજરાત સરકાર ભલે અંતરિયાળ વિસ્તારોમાં વિકાસના દાવા કરતી હોય, પરંતુ નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના અરેઠી ગામના આંબા ફળિયાની સ્થિતિ કંઈક અલગ જ ચિત્ર રજૂ કરે છે. આઝાદીના દાયકાઓ વીતી ગયા હોવા છતાં, આ વિસ્તારના રહીશો આજે પણ રોડ-રસ્તા અને પીવાના પાણી જેવી પાયાની જરૂરિયાતો માટે વલખાં મારી રહ્યા છે.
અરેઠી ગામથી બંટાવાડી, દેવમોગરા અને કનબુડીને જોડતો મુખ્ય માર્ગ હાલ અત્યંત બિસ્માર હાલતમાં છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, ચોમાસા દરમિયાન આ રસ્તો કિચ્ચડ અને પાણીથી ભરાઈ જાય છે, જેના કારણે વાહન વ્યવહાર તો દૂર, પગપાળા ચાલવું પણ મુશ્કેલ બની જાય છે. કાદવ-કીચડના કારણે વિદ્યાર્થીઓ શાળાએ જઈ શકતા નથી. ઈમરજન્સીના સમયે એમ્બ્યુલન્સ કે ખાનગી વાહન ગામ સુધી પહોંચી શકતું નથી, જેને કારણે દર્દીઓના જીવ જોખમમાં મુકાય છે.
સરકારની મહત્વકાંક્ષી 'નલ સે જલ' યોજનાનો ફિયાસ્કો અહીં જોવા મળી રહ્યો છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે ઘરે-ઘરે નળ તો લગાવી દેવામાં આવ્યા છે, પરંતુ તેમાં પાણી ક્યારેય આવતું નથી.
ગ્રામજનોએ આ પાયાની સુવિધાઓ માટે તલાટી કમ મંત્રીથી માંડીને સરપંચ, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત સુધી અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરી છે. તેમ છતાં, આજદિન સુધી તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી.

